નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં દિલ્હી સાઇકલ વોકના શિલાન્યાસ સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમારોહમાં શાહે દિલ્હીની આપ સરકાર અને કોગ્રેસ પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે, આ વખતે દિલ્હીમાંથી આપના સૂપડા સાફ થઇ જશે. આ વખતે દિલ્હીની જનતા વડાપ્રધાન મોદીની સાથે છે.


અમિત શાહે કહ્યું કે- દિલ્હીમાં એક સાઇકલવોકની કલ્પના કરવામાં આવી. આ યોજના જ્યારે જમીન પર સાકાર થશે તો મને વિશ્વાસ છે કે દિલ્હીમાં પ્રદૂષણ ઓછામાં ઓછું 20 ટકા ઓછું થઇ જશે. જ્યારે દિલ્હીના નવા રસ્તા પર 50 લાખથી વધુ લોકો સાઇકલ પર જશે તો સાઇકલ ચલાવવી ફેશન બની  જશે.

કેજરીવાલ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં આપ સરકારે સૌથી વધુ ગિલ્હીમાં ગરીબ અને ગામોનું નુકસાન કર્યું છે. મોહલ્લા ક્લિનિક ખોલીને આપ પાર્ટીએ લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું. મોદીજી આયુષ્યમાન ભારત યોજના લાવ્યા જેનો લાભ કેજરીવાલના રાજકીય સ્વાર્થના કારણે ગરીબોને નથી મળી રહ્યો. અમિત શાહે કહ્યું કે, કેજરીવાલજી તમે દિલ્હીના વિકાસ માટે 15 લાખ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જેને આજે પણ દિલ્હીની પ્રજા શોધી રહી છે. દિલ્હીમાં પાંચ વર્ષના બદલે પાંચ મહિનાની સરકાર ચાલી.