નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકારનો ઝઘડો ચાલુ છે. ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને એક ચિઠ્ઠી લખી છે. જેમાં તેમણે પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવતી શ્રમિક ટ્રેનોને મંજૂરી નહીં આપવાનો આરોપ લગાવ્યો છે.


કેન્દ્રીય ગૃહ મંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે, "કેન્દ્ર સરકાર પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્યો સુધી પહોંચાડી રહી છે. રેલગાડીના માધ્યમથી અત્યાર સુધીમાં આશે બે લાખથી વધારે મજૂરોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવામાં આવી ચુક્યા છે. પરંતુ પશ્ચિમ બંગાળ સરકાર આ મામલે કેન્દ્રને સહયોગ નથી આપતી.


પશ્ચિમ બંગાળમાં જે પણ પ્રવાસી મજૂરો છે તે તેમના ગૃહરાજ્ય જવા વ્યાકુળ છે. મજૂરોને પશ્ચિમ બંગાળથી તેમના ગૃહ રાજ્યો સુધી પહોંચાડાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ પશ્ચિમ બંગાળ સરકાર આ મામલે કેન્દ્રને કોઈ સહયોગ આપતી નથી જેનું ખૂબ દુઃખ છે."

પત્રમાં આગળ લખ્યું છે કે પશ્ચિમ બંગાળમાં પ્રવાસી મજૂરોને બીજા રાજ્યોથી લઈને બંગાળ પહોંચનારી શ્રમિક ટ્રેનોને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં નથી આવી રહી. આમ કરવાથી પશ્ચિમ બંગાળના શ્રમિકોની સાથે અન્યાય થશે. જે પશ્ચિમ બંગાળના પ્રવાસી શ્રમિકોને મુશ્કેલ પરિસ્થિતિમાં ધકેલી શકે છે.