નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે જાહેર કરાયેલા પેટાચૂંટણીના પરિણામો પર ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઇને કહ્યું હતું કે, લાંબી છલાંગ લગાવવા માટે બે પગલા પાછળ હટવું પડે છે.
પેટાચૂંટણીના પરિણામોને લઇને રાજનાથ સિંહને સવાલ કરવામાં આવ્યો હતો કે શું આ પરિણામો કેન્દ્ર અને ઉત્તરપ્રદેશની ભાજપ સરકારની વિરુદ્ધમાં છે. ત્યારે સિંહે કહ્યું કે, લાંબી છલાંગ લગાવવા માટે બે પગલા પાછળ હટવું પડે છે. નરેન્દ્ર મોદીની સરકારના ચાર વર્ષોની સિદ્ધિઓ જણાવવા માટે આયોજીત કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં સિંહે પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવ અને તેને લઇને વિપક્ષ દ્ધારા થતી ટીકા પર બોલતા કહ્યું કે, ઇન્ટરનેશનલ સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલિયમ કંપનીઓ તે પ્રમાણે ભાવ નક્કી કરે છે.
તેમણે કહ્યું કે, પેટ્રોલ-ડિઝલના ભાવવધારાથી દેશની અર્થવ્યવસ્થા પર કોઇ વિપરિત પર અસર પડતી નથી. આર્થિક મોરચે કોઇ ખરાબ સ્થિતિ બને છે તો તેના ઉકેલ માટે કેન્દ્ર સરકાર સક્ષમ છે. સરકાર પાસે 400 મિલિયન ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે. આ અગાઉ રાજનાથ સિંહે ભોપાલમાં સેન્ટ્રલ એકેડમી ફોર પોલિસ ટ્રેનિગનું ઉદ્ધાટન કર્યું હતું.