જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની હલચલ વચ્ચે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે લદ્દાખમમાં પાંચ નવા જિલ્લા બનાવ્યા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે આ જાણકારી આપી છે. લદ્દાખના આ પાંચ નવા જિલ્લા હશે – ઝાંસ્કાર,  દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ અને દ્રાસ કારગીલ પ્રદેશમાં છે, જ્યારે શામ, નુબ્રા અને ચાંગથાંગ લેહ પ્રદેશમાં છે.






હાલમાં લદ્દાખ ક્ષેત્રમાં બે જિલ્લા છે - લેહ અને કારગિલ. ગૃહ મંત્રાલયના નિર્ણય બાદ હવે લદ્દાખમાં કુલ સંખ્યા 7 થઈ ગઈ છે. લાંબા સમયથી લદ્દાખ ક્ષેત્રમાં વધારાના જિલ્લાઓની માંગ હતી. લેહ, લદ્દાખ અને કારગિલ ડિવિઝનના સામાજિક અને રાજકીય સંગઠનો વારંવાર જિલ્લાઓની માંગણી કરી રહ્યા હતા. તેને જોતા આજે ભારત સરકારના ગૃહ મંત્રાલયનો આ મહત્વનો નિર્ણય આવ્યો છે. આઝાદી બાદ પ્રથમ વખત લદ્દાખ ક્ષેત્રમાં જિલ્લાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી તંત્રને સુધારવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે, 'વિકસિત અને સમૃદ્ધ લદ્દાખ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ ધપાવતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાંચ નવા જિલ્લાઓ ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ બનાવવાનો નિર્ણય કર્યો છે.' આ નિર્ણયથી શાસનને મજબૂત કરીને લોકો માટેના લાભો તેમના ઘર સુધી પહોંચાડશે.


ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકાર લદ્દાખના લોકો માટે વિપુલ તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. નોંધનીય છે કે 5 ઓગસ્ટ, 2019ના રોજ અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. બીજો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર છે.


પાંચ વર્ષ પહેલા આ દિવસે તત્કાલિન રાજ્યને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ને પણ રદ્દ કરવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે લદ્દાખ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સીધા વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે.