લોકસભામાં સાંસદ ચંદન સિંહ, નાગેશ્વર રાવ તરફથી ગૃહ મંત્રાલયને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમાં શું NRCને લાગુ કરવા માટે સરકાર કોઈ પગલા લઈ રહી છે, શું રાજ્ય સરકારો સાથે તેના વિશે ચર્ચા કરવામાં આવી છે? સહિત કુલ 5 સવાલ હતા.
તેના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં લેખિતમાં નિવેદન આપ્યું કે, ‘...હજુ સુધી ભારત સરકારે સમગ્ર દેશમાં NRC લાગુ કરવાને લઈને કોઈ નિર્ણય કર્યો નથી....’
નોંધનીય છે કે, મંગળવારે જ લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ નિવેદન આપવાના હતા, પરંતુ વિપક્ષના હોબાળાને કારણે તે પોતાનું નિવેદન આપી શક્યા નહીં. સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરી દીધી હતી. ત્યાર બાદ તેનો જવાબ ગૃહ મંત્રાલય તરફથી લોકસભામાં રાખવામાં આવ્યો.
નોંધનીય છે કે, આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર પ્રક્રિયાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ દરમિયાન તેઓએ દાવો કર્યો કે ધર્મના આધારે કોઈ ભેદભાવ નહીં થાય. શાહના આ નિવેદન બાદ પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં એનઆરસીને લઈને હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. આસામ, ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ હિંસા થઈ હતી.