નવી દિલ્હીઃ કોરોનાવાયરસ દરમિયાન નાણાકીય તંગીને લીધે તમારી LIC વીમા પોલીસનું પ્રીમિયમ ચૂકવી શક્યા નથી તો LIC લેપ્સ પોલિસી રિવાઇવલ સ્કીમ લઈને આવી છે. 7 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી LIC પોલિસીધારકોને લેપ્સ થયેલી વીમા પોલિસીને ફરીથી સક્રિય કરવાની તક આપી રહી છે. જેમાં વીમા પોલિસી ફરીથી શરૂ કરવા માટે ફી માફ કરવામાં આવી રહી છે. જે પોલિસીની પાકતી મુદત પૂરી ન થઇ હોય તે જ પોલિસીને આ યોજના હેઠળ ફરીથી શરૂ કરી શકાશે  અને પાંચ વર્ષ સુધી પ્રિમીયમ ભર્યું નથી તેવી પોલિસી પણ ફરીથી શરૂ કરી શકાશે.  જોકે, આ ડિસ્કાઉન્ટ ટર્મ પ્લાન્સ અને હાઈ રિસ્ક પ્લાન પર ઉપલબ્ધ નથી.






આ ઉપરાંત પોલિસીને ફરીથી સક્રિય કરવા માટે જરૂરી તબીબી તપાસમાં કોઈ રાહત આપવામાં આવશે નહીં. પરંતુ સ્વાસ્થ્ય અને માઇક્રો વીમા યોજનાઓને ફરીથી શરૂ કરવા માટે માટે કોઈ લેટ ફી લેવામાં આવશે નહીં.


IRDAI માર્ગદર્શિકા મુજબ, જ્યારે ગ્રેસ પીરિયડ દરમિયાન ચુકવણી કરવામાં ન આવે ત્યારે વીમા પૉલિસી સમાપ્ત થઈ જાય છે. વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક પ્રીમિયમની ચુકવણી માટેનો ગ્રેસ પીરિયડ 30 દિવસનો છે.માસિક ચૂકવણી માટે ગ્રેસ પીરિયડ 15 દિવસ છે. લેપ્સ્ડ પોલિસીને ફરીથી શરૂ કરવા માટે વ્યાજ સાથે સંચિત પ્રીમિયમ ચૂકવવું પડશે. આ સાથે નિયમો અનુસાર લેટ ફી પર GST લાગશે.


આ વિશેષ ઓફર હેઠળ લેપ્સ થઇ ગયેલી LIC પોલિસીને ફરીથી શરૂ કરવા માટે પોલિસીધારકો તેમના એજન્ટોનો સંપર્ક કરી શકે છે. એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પરથી રિવાઈવલ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. લેટ ફી સાથે બાકી પ્રીમિયમની રકમ સાથે ફોર્મ ભરો અને તેને LIC ઓફિસમાં સબમિટ કરો.


1 લાખના પ્રીમિયમવાળા સ્વાસ્થ્ય વીમા પર 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે એટલે કે લેટ ફી પર મહત્તમ 2000 રૂપિયા અને 3 લાખ પ્રીમિયમ સાથે પોલિસીમાં 30 ટકા અથવા વધુમાં વધુ 3000 રૂપિયા આપવામાં આવશે.આ સાથે LIC IPOમાં તેના પોલિસીધારકોને ડિસ્કાઉન્ટ દરે 10 ટકા શેર આપવાની યોજના પર પણ કામ કરી રહી છે. એટલે કે LICના લાખો પોલિસી ધારકોને સસ્તામાં શેર મેળવવાની તક મળી શકે છે. એલઆઈસી તેના કર્મચારીઓ માટે પણ આમાં એક ભાગ અનામત રાખવાનું વિચારી રહી છે.