નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસી બનાવનારી ભારતીય કંપની ભારત બાયોટેક પ્રથમ તબક્કાનું પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ કરશે. પરીક્ષણના પ્રથમ બે તબક્કામાં 1100 લોકો સામેલ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 375 લોકો પર પરીક્ષણ થશે. તેમને 125 લોકોના એક એવા ત્રણ ગ્રુપમાં વિભાજિત કર્યા બાદ ડોઝ આપવામાં આવશે. 14 દિવસ સુધી તેના પર નજર રાખવામાં આવશે. પ્રથમ તબક્કો સંતોષજનક રીતે પૂરો થયા બાદ બાકીના 750 લોકો પર  બીજા તબક્કામાં પરીક્ષણ કરાશે.


હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા કરવામાં આવેલી અરજી મુજબ, પ્રથમ તબક્કાની સમય મર્યાદા 28 દિવસ છે. જેનો અર્થ છે કે 15 ઓગસ્ટ સુધી રસી જાહેર કરવાના સરકારના વાયદાને પૂરો કરવા પરીક્ષણ 18 જુલાઈ શરૂ થઈ જશે. કોવિડ-19 વેક્સીન ત્રણ તબક્કાના પરીક્ષણમાંતી એક કે બે સમાપ્ત થયા બાદ રજૂ કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે સુરક્ષા માટે પ્રથમ બે પરીક્ષણ ખૂબ જરૂરી હોય છે. જ્યારે ત્રીજું તેની પ્રભાવિતતા માટે જરૂરી છે. ત્રણેય તબક્કાના પરીક્ષણ પૂરા થવામાં મહિના કે વર્ષનો લાગી શકે છે.

25 જૂને CDSCO (સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન)ની એક બેઠકમાં ભારત બાયોટેકે કહ્યું, તેમણે પહેલા ઉંદર અને સસલા પર સુરક્ષા તથા ઈમ્યુનોઝેનેસિટી પરીક્ષણ કર્યા હતા. ભારત બાયોટેકે બીજા તબક્કા માટે આગળ વધતા પહેલા પ્રથમ તબક્કાના પરિણામ ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલને સોંપી દીધા હતા અને RT-PCR પરીક્ષણ કર્યુ હતું. પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણ માટે ICMR દ્વારા પસંદ કરાયેલી 12 હોસ્પિટલો તથા સંસ્થાઓમાંથી સાતને હજુ એક નૈતિક સમિતિ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી.

ભારત બાયોટેકની Covaxinને લોન્ચ કરવાની સમય મર્યાદા અમેરિકન અને ચીની દવા નિર્માતાઓ તથા અન્ટ ફ્રંટ રનર વેક્સીન પ્રયાસોની તુલનામાં ઓછી છે. જેમાં મોટાભાગનાએ મહિનાઓ પહેલા માનવ પરીક્ષણ શરૂ કર્યુ હતું અને હવે ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યા છે.

વિશ્વમાં 140 કંપનીઓ કોરોના વાયરસ વેક્સીન બનાવવામાં લાગી છે. જેમાંથી 11 માનવ પરીક્ષણ કરી રહી છે. તેમંથી કોઈપણ 2021 પહેલા મોટાપાયે ઉપયોગમાં લઈ શકાય તેવી રસી તૈયાર કરવાની સંભાવના નથી.