તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે માત્ર છૂટાછેડા માંગવાથી અથવા પતિનો સાથ છોડી દેવાથી પત્નીને ભરણપોષણના (Maintenance) અધિકારથી વંચિત ન રાખી શકાય. જો તેણે પતિને છોડવા માટેના પર્યાપ્ત કારણો આપ્યા હોય. જસ્ટિસ અમિત મહાજનની ખંડપીઠે એમ પણ કહ્યું કે પત્નીની શૈક્ષણિક લાયકાત એ આધાર હોઇ શકે નહી કે તેને ભરણપોષણથી વંચિત રાખવામાં આવે.


આ નિર્ણય એવા કેસમાં આપવામાં આવ્યો હતો જ્યાં પતિએ નવેમ્બર 2022માં ફેમિલી કોર્ટે આપેલા આદેશને પડકાર્યો હતો. તે આદેશમાં ફેમિલી કોર્ટે પત્નીને માસિક 5,500 રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને દર બે વર્ષે ભરણપોષણની રકમમાં 10 ટકાનો વધારો કરવામાં આવે.


શું છે મામલો?


પત્નીએ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ દારૂ પીવે છે. તેનો પતિ તેની સાથે મારપીટ કરે છે અને તેના પરિવારજનો દહેજના કારણે પરેશાન કરે છે. વધુમાં તેણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેના પતિ પર્યાપ્ત સાધનસામગ્રી હોવા છતાં તેણીની સંભાળ લેવામાં અને તેણીનો ખર્ચ ઉઠાવવાનો ઇનકાર કરે છે.


પતિએ કોર્ટમાં તેની આવક 13,000 રૂપિયા પ્રતિ મહિને હોવાનું જાહેર કર્યું હતુ. જ્યારે ફેમિલી કોર્ટે દિલ્હીના લઘુત્તમ વેતન ધોરણના આધારે તેમની આવક 16,000 રૂપિયા પ્રતિ મહિને માની હતી. કોર્ટે પતિની અપીલ ફગાવતા કહ્યું હતું કે પત્નીની જુબાની વધુ વિશ્વસનીય અને સચોટ છે અને તેની જુબાનીમાં નાના તફાવતને કારણે તેના પર શંકા કરી શકાય નહીં.


જસ્ટિસ મહાજને ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ વૈવાહિક વિવાદમાં ફસાઈ જાય છે ત્યારે તેની આવક ઓછી આંકવાની વૃત્તિ હોય છે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રકારના કિસ્સાઓમાં આવકવેરા રિટર્ન પણ વાસ્તવિક આવકનું ચોક્કસ પ્રતિબિંબ હોઇ શકે નહીં.


કોર્ટે એ પણ અવલોકન કર્યું કે પતિએ દાવો કર્યો હતો કે તે તેના માતા-પિતા સાથે રહે છે, પરંતુ તેણે તેના માતાપિતાના ખર્ચના કોઈ પુરાવા રજૂ કર્યા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પતિ એક સક્ષમ વ્યક્તિ હોવાને કારણે તેની પત્નીને આર્થિક રીતે ટેકો આપવા માટે બંધાયેલો છે અને એ વાત સાબિત કરતા કોઇ પુરાવા નથી કે પત્ની પોતાનું ભરણપોષણ કરવા માટે સક્ષમ હતી.