Allahabad High Court: અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે કહ્યું હતું કે જો પતિની નોકરીમાંથી કોઈ આવક ન હોય તો પણ તે તેની પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે કારણ કે તે એક અકુશળ મજૂર તરીકે દરરોજ લગભગ 300-400 રૂપિયા કમાઈ શકે છે. હાઇકોર્ટની લખનઉ બેન્ચના જસ્ટિસ રેણુ અગ્રવાલે ફેમિલી કોર્ટના આદેશ સામે એક પુરુષની રિવિઝન પિટિશનને ફગાવી દેતાં આ અવલોકન કર્યું હતું, જેમાં તેને તેનાથી અલગ રહેતી પત્નીને ભરણપોષણ તરીકે મહિને બે હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો


જસ્ટિસ અગ્રવાલે ટ્રાયલ કોર્ટના જજને પત્નીની તરફેણમાં પહેલાથી જ મંજૂર કરાયેલ ભરણપોષણ મેળવવા માટે પતિ સામે તમામ પગલાં લેવાનો નિર્દેશ આપ્યા હતા. ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 125ની જોગવાઈઓ હેઠળ પત્નીને 2000 રૂપિયા ભરણપોષણ આપવાના ફેમિલી કોર્ટના આદેશને પડકારતા પતિએ હાઈકોર્ટ સમક્ષ રિવિઝન પિટિશન દાખલ કરી હતી.


પતિએ અરજીમાં શું દલીલો આપી


પતિએ અરજીમાં દલીલ કરી હતી કે ફેમિલી કોર્ટ એ ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી છે કે પત્ની ગ્રેજ્યુએટ છે અને ટીચિંગ પ્રોફેશનમાંથી દર મહિને 10,000 રૂપિયા કમાય છે. અરજદારે એમ પણ કહ્યું કે તે ગંભીર રીતે બીમાર છે અને ડૉક્ટર પાસેથી સારવાર લઈ રહ્યો છે. તેણે એવી પણ દલીલ કરી હતી કે તે મજૂર તરીકે કામ કરે છે અને ભાડાના રૂમમાં રહે છે અને તેણે તેના માતા-પિતા અને બહેનોનું ધ્યાન રાખવાનું છે.


લગ્નના એક વર્ષ બાદ પત્ની અલગ રહેવા લાગી હતી


બંનેએ 2015માં લગ્ન કર્યા હતા. બાદમાં પત્નીએ તેના પતિ અને સાસરિયાઓ સામે એફઆઈઆર નોંધાવી અને તે 2016થી તેના માતા-પિતા સાથે રહે છે. હાઈકોર્ટે આદેશમાં કહ્યું હતું કે પતિ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો નથી કે તેની પત્ની ટીચિંગ પ્રોફેશનથી 10,000 રૂપિયા કમાઈ રહી છે. હાઈકોર્ટે પતિની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે તેણે તેના પિતા, માતા અને બહેનોની સંભાળ રાખવાની છે કે જેઓ તેના પર નિર્ભર છે અને તે ખેતી અને મજૂરી કરીને કમાય છે.


કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું


કોર્ટે એમ પણ કહ્યું કે અરજદાર સ્વસ્થ વ્યક્તિ છે અને પૈસા કમાવવા માટે સક્ષમ છે અને તેની પત્નીના ભરણપોષણની પણ જવાબદારી તેના પર છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, "તાર્કિક રીતે જો કોર્ટ માને છે કે પતિની નોકરીમાંથી અથવા મારુતિ વાનના ભાડામાંથી કોઈ આવક નથી તો પણ તે તેની પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે કારણ કે "સુપ્રીમ કોર્ટે વર્ષ 2022માં અંજુ ગર્ગના કેસમાં વ્યવસ્થા આપી હતી. કોર્ટે કહ્યું હતું કે તે એક અકુશળ મજૂર તરીકે લઘુત્તમ વેતન તરીકે દરરોજ આશરે 300 થી 400 રૂપિયા કમાઈ શકે છે.