નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે 20 લાખ કરોડના આર્થિક પેકેજના પાંચમા અને અંતિમ તબક્કાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવાનો 85% ખર્ચ કેન્દ્ર સરકાર આપી રહી છે. મજૂરોને ટ્રેનમાં જમવાનું આપવામાં આવી રહ્યું છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રમિકો માટે વધારે ટ્રેન દોડાવવામાં આવશે.

આ પછી પ્રવાસી મજૂરોને લઈ તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરો પ્રહાર કરીને આ મુદ્દે રાજનીતિ ન કરવા કહ્યું હતું.


નાણા મંત્રીએ જણાવ્યું, "હું વિપક્ષને કહેવા માંગુ છું કે પ્રવાસીઓના મુદ્દા પર આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. અમે આ મુદ્દે રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. હું હાથ જોડીને સોનિયા ગાંધીને કહેવા માંગુ છું કે કે આપણે પ્રવાસી મજૂરો સાથે વધારે જવાબદારીથી વાત કરવી જોઈએ. તેમણે પૂછ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્ય કેમ પ્રવાસી શ્રમિકો માટે વધારે ટ્રેનની માંગ નથી કરતાં ?"

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાઈઓવર પાસે પ્રવાસી મજૂરોને મળવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ ફૂટપાથ પર બેસીને શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યા જાણી હતી. નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીને આ માટે ડ્રામાબાજ ગણાવી કહ્યું, રાહુલ ગાંધીએ મજૂરો સાથે બેસીને તેમનો સમય વેડફ્યો. તેમણે મજૂરોનો સામાન ઉપાડીને પગપાળા ચાલવું જોઈતું હતું.