Agnipath Yojna Recruitment: અગ્નિપથ યોજના હેઠળ એરફોર્સમાં અગ્નિવીરોની ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ યોજના હેઠળ ભારતીય વાયુસેનામાં અગ્રિનવીર બનવા માટે છેલ્લા ત્રણ દિવસમાં કુલ 94,281 અરજીઓ મળી છે. વાયુસેનાએ આપેલી માહિતી અનુસાર, 27 જૂને સવારે 10.30 વાગ્યા સુધી વાયુ-અગ્નવીર માટે કુલ 94,281 ઉમેદવારોએ વાયુસેનાની વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરાવી છે. ઓનલાઈન અરજી 24મી જૂને સવારે શરૂ થઈ હતી જે 5મી જુલાઈ સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, ભારતીય વાયુસેનામાં અગ્નિપથ યોજના હેઠળ આ પ્રથમ ભરતી પ્રક્રિયા છે. મહત્વનું છે કે, વાયુ-અગ્નિવીર બાદ અગ્નિપથ યોજના હેઠળ આર્મી અને નેવીમાં અગ્નિવીર બનવા માટેની અરજી 1 જુલાઈથી શરૂ થશે.
4 વર્ષ બાદ કાયમી નોકરી માટે તકઃ
અગ્નિપથ યોજના હેઠળ, ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની ભરતી ચાર વર્ષ માટે કરવામાં આવશે. મહત્વનું છે કે, "અગ્નિવીર-વાયુ" ભારતીય વાયુસેનામાં એક અલગ રેન્ક હશે, જે અન્ય કોઈપણ વર્તમાન રેન્કથી અલગ હશે. જો કે, વાયુ અગ્નિવીર તરીકે પસંદ થયા બાદ ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી ભારતીય વાયુસેનામાં કાયમી નોકરી માટે અરજી કરવાની તક આપવામાં આવશે.
અગ્નિપથ યોજનાનો થયો છે વિરોધઃ
જો કે, દેશના યુવાનો અને ઘણા રાજકીય પક્ષોએ શરૂઆતથી જ ભારતીય સેનાની ત્રણેય પાંખમાં ભરતી માટે કેન્દ્ર સરકારની નવી નીતિનો વિરોધ કર્યો છે. અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં ઘણા હિંસક પ્રદર્શનો પણ જોવા મળ્યા હતા. જ્યાં આ યોજનાના વિરોધમાં વિરોધીઓએ અનેક જાહેર સ્થળોએ તોડફોડ કરી હતી. આ યોજનાનો સૌથી મોટો વિરોધ બિહારમાં જોવા મળ્યો હતો. જ્યાં ટોળાએ અગ્નિપથ યોજના સામે મોરચો કાઢીને ટ્રેનોને આગ ચાંપી દીધી હતી. આ યોજનાના વિરોધમાં સૌથી વધુ નુકસાન રેલવેને થયું છે. જેમાં કરોડો રૂપિયાની રેલ્વેની મિલકતને નુકસાન થયું છે.