નવી દિલ્હીઃ પૂર્વોત્તરના રાજ્ય આસામથી અરુણાચલ પ્રદેશ જઇ રહેલ ઇન્ડિયન એરફોર્સનુ એક એએન-32 એરક્રાફ્ટ ગુમ થયું છે. આ એરક્રાફ્ટને જોરહાદ એરબેઝથી સાડા 12 વાગ્યે ઉડાણ ભરી હતી. એરક્રાફ્ટમાં કુલ 13 લોક સવાર હતા જેમાં આઠ ક્રૂ મેમ્બર્સ અને પાંચ અન્ય મુસાફરો સામેલ હતા. એરફોર્સે એરક્રાફ્ટને શોધવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી. જાણકારી અનુસાર, એક વાગ્યે એરક્રાફ્ટ અને ગ્રાઉન્ડ એજન્સી વચ્ચે અંતિમ સંપર્ક થયો હતો. વિમાનની શોધ માટે એરફોર્સે સુખોઇ-30 અને સી-130 સ્પેશ્યલ ઓપરેશન એરક્રાફ્ટ કામે લગાવ્યું હતું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે કહ્યું કે, આ અંગે તેમણે એરફોર્સ સાથે વાત કરી છે અને વિમાનના મુસાફરોની સુરક્ષાની પ્રાર્થના કરે છે. નોંધનીય છે કે 2016માં ચેન્નઇથી પોર્ટ બ્લેયર જઇ રહેલું એએન-32 વિમાન ગુમ થયુ હતું. જેમા ભારતીય એરફોર્સે 12 જવાન, છ ક્રૂ મેમ્બર, એક નૌસૈનિક, એક સેનાનો જવાબ અને એક જ પરિવારના આઠ સભ્યો સવાર હતા. આ વિમાનનો કાટમાળ મળી શક્યો નથી.