ALH Helicopter emergency landing  : ઉત્તર પ્રદેશના બરેલીમાં ભારતીય વાયુસેનાના ALH હેલિકોપ્ટરને ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.  જેમાં કોઈ પણ પ્રકારની ઈજાના સમાચાર નથી. બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ALH હેલિકોપ્ટરને અચાનક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. હેલિકોપ્ટર લેન્ડ થતું જોવા માટે ગામલોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. હેલિકોપ્ટનું અચાનક ખેતરમાં લેન્ડિંગ કરવામાં આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.         

Continues below advertisement

આ વર્ષે ફરી મળી હતી સંચાલનની મંજૂરી

એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવને ચાર મહિનાના પ્રતિબંધ બાદ  મે 2025 માં ફરીથી સંચાલન કરવાની મંજૂરી મળી હતી. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) આ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરે છે. ભારતીય કોસ્ટ ગાર્ડનું એક ALH હેલિકોપ્ટર 5 જાન્યુઆરી, 2025 ના રોજ ક્રેશ થયું હતું, જેના પગલે બધા ધ્રુવ હેલિકોપ્ટર ગ્રાઉન્ડ કરવામાં આવ્યા હતા.

Continues below advertisement

ALH હેલિકોપ્ટર ઘણા મિશન માટે યોગ્ય છે

આ અકસ્માત બાદ, ALH હેલિકોપ્ટરની ટેકનિકલ વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉભા થયા, જેના કારણે સંરક્ષણ મંત્રાલયે ખામી તપાસ સમિતિની રચના કરી. આ પછી, HAL અને સશસ્ત્ર દળોએ સંયુક્ત રીતે ટેકનિકલ મુદ્દાઓનું વિશ્લેષણ કર્યું અને અનેક સલામતી પગલાં અમલમાં મૂક્યા. ALH ધ્રુવ હેલિકોપ્ટર 2002 થી ભારતીય સશસ્ત્ર દળો સાથે સેવામાં છે. તે વિવિધ મિશન માટે યોગ્ય એક બહુ-ભૂમિકા ધરાવતું હેલિકોપ્ટર છે. HAL એ 1990 ના દાયકામાં તેની ડિઝાઇન વિકસાવી હતી.

ગયા અઠવાડિયે, ભારતીય વાયુસેનાના સુખોઈ-30 MKI ફાઇટર જેટને ટેકનિકલ ખામીને કારણે દહેરાદૂન એરપોર્ટ પર ઈમરજન્સી ઉતરાણ કરવું પડ્યું. ઉડાન દરમિયાન વિમાનના એક એન્જિનમાંથી તેલ લીક થવા લાગ્યું, જેના કારણે પાઇલટે આ પગલું ભર્યું. એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી, વિમાનને ટર્મિનલથી થોડે દૂર VIP ગેસ્ટ હાઉસની સામે સુરક્ષિત રીતે પાર્ક કરવામાં આવ્યું હતું.