પઠાણકોટ પાસે અપાચે હેલિકોપ્ટરનું ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ, બંને પાયલટ સુરક્ષિત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Apr 2020 05:00 PM (IST)
પંજાબમાં પઠાણકોટ પાસે અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરના બંને પાયલટ સુરક્ષિત છે.
નવી દિલ્હી: પંજાબમાં પઠાણકોટ પાસે અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરના બંને પાયલટ સુરક્ષિત છે. અપાચે હેલિકોપ્ટરે પઠાણકોટ એરબેઝથી ટેક ઓફ કર્યું હતું. પરંતુ ટેકનિકલ ખામી આવી જતાં નજીકના એક ગામના ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરે પઠાણકોટ એરબેઝથી રોજની જેમ ટ્રેનિગ માટે ટેક ઓફ કર્યું હતું ત્યારે રસ્તામાં ટેકનિકલ ખામી આવવાના કારણે તેનું ઇમરજન્સી લેન્ડીંગ ખેતરમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળે પંજાબ પોલીસ અને પઠાણકોટ એરફોર્સના અધિકારી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આધુનિક યુદ્ધ ક્ષમતાવાળા આ હેલિકોપ્ટર અમેરિકન કંપની બોઇંગે બનાવ્યા છે. અપાચે હેલિકોપ્ટરના પાંખીયાનો ફેલાવો 17.15 ફુટ સુધી હોય છે. જ્યારે ઊંચાઈ 15.24 ફુટ છે. પ્રાઇમરી મિશન માટે તેનું કુલ વજન 6838 કિલોગ્રામ હોય છે. તે મહત્તમ 279 કિલોમીટર/કલાકની ઝડપે ઊડી શકે છે. અપાચેની ખાસિયત છે કે તે એક મિનિટમાં 128 ટાર્ગેટ ઉડાડવા માટે ક્ષમતા ધરાવે છે. સામે આવ્યા વગર છુપાઈને વાર કરવા માટે આ હેલિકોપ્ટર શાનદાર છે.