ભોપાલઃ મધ્યપ્રદેશમાં પોતાના મિત્રને એક યુનિવર્સિટીના  કુલપતિની નિમણૂક કરાવવા માટે એક વ્યક્તિએ એવું કામ કર્યું જેને સાંભળીને મોટા મોટા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ  વ્યક્તિએ મધ્યપ્રદેશ આયુવિજ્ઞાન યુનિવર્સિટીમાં  કુલપતિના પદ પર પોતાના મિત્રની નિમણૂક માટે કોઇ સામાન્ય વ્યક્તિ કે મોટા અધિકારીને નહી પણ સીધું રાજ્યપાલને જ ફોન કરી આદેશ આપી દીધો હતો.

ગૃહમંત્રી અમિત શાહ બની રાજ્યપાલને ફોન કરી નિમણૂકનો આદેશ આપનાર વ્યક્તિ અને તેને સાથીની  મધ્યપ્રદેશ એસટીએફએ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આરોપી કુલદીપ  વાઘેલા એરફોર્સમાં વિંગ કમાન્ડરના પદ પર તૈનાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે હાલમાં દિલ્હીમાં તૈનાત છે. જ્યારે તેના સાથીનુ  નામ  ડોક્ટર ચંદ્રેશ શુક્લા છે.

મધ્યપ્રદેશ એસટીએફના એડીજી અશોક અવસ્થીએ કહ્યું કે, જબલપુર સ્થિત મધ્યપ્રદેશ આયુવિજ્ઞાન યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક થવાની હતી. આ પદ માટે ભોપાલના સાકેત નગર વિસ્તારમાં રહેતા ડોક્ટર ચંદ્રેશ કુમાર શુક્લાએ પોતાનો બાયોડેટા આપ્યો છે. આ વચ્ચે એક દિવસ ડોક્ટર શુક્લાએ દિલ્હીમાં  રહેતા  પોતાના મિત્ર એરફોર્સના વિંગ કમાન્ડર કુલદીપ વાઘેલા સાથે વાતચીત કરી હતી અને કહ્યુ  હતું કે શું તે કોઇ મોટા વ્યક્તિને  રાજ્યપાલને ફોન કરવાનું  કહી શકે છે. જેના  પર કુલદીપે કહ્યું કે, તે ગૃહમંત્રી અમિત શાહ પાસે રાજ્યપાલને ફોન કરાવી દેશે.

કુલદીપ જ્યારે તેમાં સફળ ના થઇ શક્યો તો તેણે જાતે જ ગૃહમંત્રી અમિત શાહ બની રાજ્યપાલ લાલજી ટંડનને ફોન કરી આદેશ આપતા કહ્યું કે, ડોક્ટર ચંદ્રેશ કુમાર શુક્લાને આયુવિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ  બનાવવામાં આવે. રાજ્યપાલને  તેના અવાજ અને વાત કરવાની સ્ટાઇલ પર શંકા ગઇ તો રાજ્યપાલે આ જાણકારી સ્ટાફને આપી હતી.  ત્યારબાદ રાજ્યપાલના  સ્ટાફે ગૃહમંત્રીના દિલ્હી સ્થિત ઓફિસ અને ઘર પરથી આ પ્રકારના ફોન  કોલ્સની જાણકારી લીધી તો ખ્યાલ આવ્યો કે ગૃહમંત્રીએ આવો કોઇ કોલ કર્યો નથી.