MHA Transferred Sanjeev Khirwar: દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ (Thyagraj Stadium)માં ખેલાડીઓની પ્રેક્ટિસ  સમયે તેમની પ્રેક્ટિસ બંધ કરીને કૂતરાને વોક માટે લાવવાના કારણે વિવાદમાં આવેલા IAS ઓફિસર સંજીવ ખિરવાર (IAS Sanjeev Khirwar) ની બદલી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ તેમને દિલ્હીથી લદ્દાખ ટ્રાન્સફર કરી દીધા છે. એટલું જ નહીં મંત્રાલયે તેની પત્ની IAS રિંકુ દુગ્ગા (IAS Rinku Dugga)ની બદલી કરીને તેને અરુણાચલ પ્રદેશ મોકલી દીધા છે.




હવે સોશિયલ મીડિયા પર આઇએએસ દંપત્તિની ટ્રાન્સફરની ખૂબ ચર્ચા ચાલી રહી છે. લોકો ગુગલ પર અરુણાચલ પ્રદેશ અને લદ્દાખ વચ્ચેનું અંતર કેટલું છે તે સર્ચ કરી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર ખૂબ થઇ રહી છે ચર્ચા


સોશિયલ મીડિયા પર એ ચર્ચા શરૂ થઇ ગઇ છે કે આખરે પતિ અને પત્નીને ટ્રાન્સફર કરીને કેટલા દૂર મોકલી દીધા છે. કોઇ ગુગલ પર એ સર્ચ કરી રહ્યું છે કે દિલ્હીથી લદ્દાખ અને અરુણાચલ કેટલું દૂર છે, તો કોઇ બંન્ને સ્થળો વચ્ચેનું અંતરની માહિતી શેર કરી રહ્યું છે.




એટલું જ આઇએએસ અધિકારીને સોશિયલ મીડિયા પર તેમના કૂતરાને લઇને અનેક પ્રકારની સલાહ આપવામાં આવી રહી છે. લોકો મિમ્સ શેર કરી પૂછી રહ્યા છે કે આખરે કૂતરો અરુણાચલ પ્રદેશ જશે કે લદ્દાખ જશે. ?


લગભગ 3 હજાર કિલોમીટરનું અંતર


જો કે, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશનું અંતર લગભગ 3100 કિલોમીટર છે. જો તમે રોડ માર્ગે મુસાફરી કરો છો તો લદ્દાખથી અરુણાચલ પહોંચવામાં તમને લગભગ 65 થી 70 કલાકનો સમય લાગી શકે છે. જ્યારે એક ટ્રાવેલ સાઇટ્સ પર આપેલી માહિતી અનુસાર ફ્લાઇટ મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં લગભગ 20 થી 22 કલાકનો સમય લાગી શકે છે. ફ્લાઇટનું ભાડું 20 હજારથી 25 હજાર સુધી છે.




સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો ગૃહ મંત્રાલયના આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે માત્ર ટ્રાન્સફર કરવી એ સજા નથી. આ સાથે અરુણાચલ અને લદ્દાખ જેવા સ્થળોએ ટ્રાન્સફરને સજા તરીકે વર્ણવવાનો વિરોધ પણ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે આનાથી ત્યાં હાજર અધિકારીઓના મનોબળને અસર થશે.