દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. ત્યારે હાલમાં ચૂંટણી પરિણામને લઈને કેટલાક રિપોર્ટ્સ અને દાવા વાયરલ થઈ હ્યા છે. આ જ ક્રમમાં આઈબીના નામથી પણ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના ચૂંટણી પરિણામનો દાવો કરતો એક એસેસમેન્ટ રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરાકર બનતી જોવા મળી રહી છે અને તમિલનાડુમાં ડીએમસીની સરકાર બનતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિતેલા 15થી 25 માર્ચ સુધી ગ્રાઉન્ડ લેવલ પર એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં પશ્ચિમ બંગાળના 30,800 જ્યારે તમિલનાડુના 23500 લોકો જોડાયા હતા. દાવો કરવામાં આવ્યો છે કે, તેમાં ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારમાં લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે.
તમિલનાડુમાં ડીએમકે સરકાર બનવાનો દાવો !
આઈબીના નામથી વાયરલ આ સર્વે રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમિલનાડુમાં ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કડગમ પાર્ટીની સરાકર બનતી જોવા મળી રહી છે. 42થી 47 ટકા વોટ શેર સાથે તેને 178-199 સીટ મળી રહી છે. જ્યારે એઆઈડીએમકેને 31-36 ટકા વોટ શેર સાથે 28-42 સીટ મળતી જોવા મળી રહી છે.
આ દાવાનું સત્ય શું છે?
આઈબી, ભારતની આંતરિક ઇન્ટેલીજન્સ એજન્સી છે. આ એજન્સી ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. જોકે ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર આવી કોઈ જાણકારી ઉપલબ્ધ નથી જેથી એ સાબિત થાય કે આઈબીએ આવો કોઈ સર્વે કરાવ્યો હશે. આઈબી તરફથી વાયરલ થઈ રહેલ આ દાવાને સરકારે ફગાવી દીધો છે. સરકારી એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોની ફેક્ટ ચેકની ટીમે આ દાવાને ફગાવી દેતા ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કહ્યું છે કે, ઇન્ટેલિજન્સ બ્યૂરોના નામ પર કેટલાક રિપોર્ટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણીને લઈને આઈબીએ સર્વે કર્યો છે. પીઆઈબીએ ટ્વીટમાં સ્પષ્ટ કર્યું છે કે, આઈબીએ આવો કોઈ જ સર્વે કે એસેસમેન્ટ નથી કરાવ્યું. એટલે કે આ વાયરલ થઈ રહેલ દાવો ખોટો છે.