મુંબઈ:  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાતના 9  વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 43,183 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ એક જ દિવસના અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. આ પહેલા 28 માર્ચે મહારાષ્ટ્રમાં કોરોનાના 40,414 નવા કેસ સામે આવ્યા હતા.


નિવેદનમાં કહેવામાં આવ્યું કે આજે કોરોનાના 249 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર  સુધીમાં 28 લાખ 56 હજાર 163 લોકો સંક્રમિત થયા છે અને તેમાંથી 24 લાખ 33 હજાર 368 લોકો સ્વસ્થ થયા છે. 54,898 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં હાલ 3,66,533 લોકોની સારવાર ચાલી રહી છે.


મુંબઈમાં રેકોર્ડબ્રેક કેસ


એકલા મુંબઈમાં જ છેલ્લા 24 કલાકમાં 8,646 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પ્રથમ વખત છે જ્યારે મુંબઈમાં એક જ દિવસમાં 8600થી વધુ કેસ નોંધાયા હોય. 
મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણના કેસમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. માર્ચમાં કોવિડ19ના 6,51,513 કેસ આવ્યા જે પાંચ મહિનામાં આવેલા કુલ કેસના 88.23 ટકા છે. 


રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2790


રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi)માં ફરી એક વખત કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે સાંજે સાત વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2790 લોકો કોરોના વાયરસ( Coronavirus)થી સંક્રમિત થયા છે અને 9 દર્દીઓના મોત થયા છે. 


આ પહેલા બુધવારે 1819 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 11 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 665220 લોકો સંક્રમિત થયા 
છે.  જેમાંથી 6,43,686 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 11,036 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણ વધતા આજે જ દિલ્હી સરકારે ધોરણ 8 સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.


ગુજરાતમાં સૌથી વધુ 2410 કેસ નોંધાયા


ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણે ફરી ગતિ પકડી છે. દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,92,584 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.



રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારની નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12996 પર પહોંચ્યો છે. જેમાંથી 155 લોકો વેન્ટિલેટર પર અને 12841 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.35 ટકા છે.