નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 37 હજારને નજીક પહોંચી ગઇ છે. રાજ્યમાં વધતા કેસ વચ્ચે આજે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, જો દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવી છે તો આઇસીએમઆરે પોતાના નિયમ બદલવા પડશે.
દિલ્હીમાં કોરોના વાયરસને લઇને પૂછાયેલા એક સવાલના જવાબમાં સત્યેન્દ્ર જૈને કહ્યું કે, કોરોના વાયરસના કેસ આખા દેશમાં પણ છે અને દિલ્હીમાં પણ છે. જ્યાં ઓછા કેસ છે તેમનો થોડા દિવસમાં નંબર આવી છે. દિલ્હી કોરોના વાયરસના કેસમાં મુંબઇથી 10-12 દિવસ પાછળ ચાલી રહી છે.એક સવાલના જવાબમાં સત્યેન્દ્ર જૈને કહ્યું કે, તમારે ટેસ્ટિંગ વધારવી છે તો આઇસીએમઆરને કહો કે તે પોતાની ગાઇડલાઇન બદલે. આઇસીએમઆરની ગાઇડલાઇનનો ભંગ અમે કરી શકીએ નહીં. જે શરતો તેમણે રાખી છે તે અનુસાર આખા દેશમાં ટેસ્ટ થઇ શકે છે. તમે આઇસીએમઆર અને કેન્દ્ર સરકારને કહો કે તેઓ શરતો બદલે અને જે પણ ઇચ્છે તે ટેસ્ટ કરાવી લે.
જ્યારે આપના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યુ કે, વધારે ટેસ્ટ કરાવવામાં હાલમાં સૌથી જરૂરી છે કે આઇસીએમઆરની ગાઇડલાઇન્સને ખત્મ કરવામાં આવે. મે સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને ગાઇડલાઇન્સ બદલવાની અપીલ કરી છે જેથી જેને પણ કોરોના હોવાની આશંકા હોય એ તમામ પોતાનો ટેસ્ટ કરાવી શકે.સંજય સિંહે કહ્યુ કે તમામ લેબ્સને લાયસન્સ અને તમામ રાજ્યોને ટેસ્ટિંગ કિટ્સ કેન્દ્ર સરકાર આપે. જ્યાં સુધી લોકોને ખ્યાલ નહી આવે તે તેઓને કોરોના થયો છે ત્યાં સુધી તેઓ સારવાર કરાવશે નહીં. જેનાથી આવનારા દિવસોમાં મૃત્યુના આંકડાઓ વધી શકે છે અને સ્થિતિ વધુ ભયાનક બની શકે છે.
નોંધનીય છે કે દિલ્હીમાં અત્યાર સુધીમાં 36 હજાર 834 લોકોને કોરોના થયો છે. જેમાંથી 13398 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 1214 લોકોના મોત થયા છે. હાલમાં કુલ 22 હજાર 212 લોકોની સારવાર ચાલી રહી છે.