નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, આ દેશમાં જે અમારી જેમ લગ્ન ના કરે તેમનું વિશેષ સન્માન થવું જોઇએ. સાથે જે લગ્ન કરે છે અને બેથી વધુ બાળકો પેદા કરે છે તેમનો મતાધિકાર છીનવી લેવો જોઇએ. સ્વામી રામદેવે રવિવારે હરિદ્ધારમાં આ નિવેદન આપ્યુ હતુ.

રામદેવે કહ્યું કે, આ રાજકીય અને રાષ્ટ્રીય મુદ્દો છે. પરંતુ ભારતીય પરંપરામાં જ્યારે જનસંખ્યા ઓછી હતી ત્યારે વધુ બાળકો પેદા કરવાની વાત કરવામાં આવી હતી. 10 બાળકો પેદા કરવા સુધીની વાત કરાઇ હતી. તેમણે કહ્યું કે, જેઓ સંપન્ન છે તેઓ જરૂર કરી લે પરંતુ એક-બે બાળકો અમને પણ આપી દેવા. રામદેવે કહ્યું કે, જ્યારે વસ્તી સવા સો કરોડ પહોંચી ગઇ છે. આપણે મત મારફતે રાજકીય નેતૃત્વની પસંદગી કરીએ છીએ પરંતુ એક વિવેકશીલ પુરુષ અથવા મહિલા હોય, કોઇ જાગૃત આત્મા હોય તે હજારો, લાખો, કરોડો પર ભારે પડે છે.

સ્વામી રામદેવ પોતે અપરણિત છે અને લગ્નને લઇને અગાઉ પણ આ નિવેદન આપી ચૂક્યા છે. છેલ્લા દિવસોમાં તેમણે કહ્યું હતું કે તેમની સફળતા અને આનંદનું કારણ તેઓ અપરણિત છે તે છે. ખુશ રહેવા માટે પત્ની અને બાળકોની જરૂર નથી હોતી. તમે તેના વગર પણ ખુશ રહી શકો છો, જે રીતે હું પણ હંમેશા ખુશ રહું છું.

યોગગુરુ રામદેવની પતંજલિ યોગપીઠ સેંકડો સંન્યાસીઓને દિક્ષા આપી ચૂક્યા છે. રામનવમીના અવસર પર સંન્યાસીઓને દિક્ષા આપતા રામદેવે કહ્યું હતું કે સંત બનવું અને પોતાને રાષ્ટ્રસેવામાં સમર્પિત કરવાથી વધુ આનંદદાયક કાંઇ હોઇ શકે નહીં. આ અવસર પર તેમણે સંન્યાસી બનેલા પોતાના શિષ્યોના પરિવારનો પણ આભાર માન્યો હતો જેમણે પોતાના બાળકોને રાષ્ટ્ર સેવામાં સમર્પિત કર્યા છે.