દક્ષિણ ભારતમાં ચક્રવાતનો ખતરો મંડરાઇ રહ્યો છે કારણ કે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, આ ક્ષેત્ર ધીમે ધીમે તમિલનાડુ અને શ્રીલંકાના કિનારા તરફ આગળ વધી શકે છે.
ચક્રવાતની સંભાવનાઓ
હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લો પ્રેશર સર્જાવાની શરૂઆત થઇ ચૂકી છે. આગામી 36 કલાકમાં આ વિસ્તારમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. આ પછી તે તમિલનાડુ અને શ્રીલંકાના દરિયાકિનારા તરફ આગળ વધી શકે છે.
કયા રાજ્યોને અસર થશે?
IMD અનુસાર, 14 નવેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે.
તામિલનાડુમાં 15 નવેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 4 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. કેરળમાં 13 થી 16 નવેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ છે. 14 નવેમ્બરે તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વરસાદની શક્યતા છે.
દક્ષિણ ભારતમાં ચક્રવાતી હવામાન પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે, અને IMDની ચેતવણી મુજબ, આગામી થોડા દિવસોમાં આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ.
જમ્મુ-કાશ્મીરમાં થઇ રહી છે સિઝનની પ્રથમ હિમવર્ષા
જમ્મુ-કાશ્મીરમાં સોમવારે હવામાન બદલાયું છે. ગુલમર્ગ અને ગુરેઝના ઊંચા વિસ્તારોમાં સોમવારે મોસમની પ્રથમ હિમવર્ષા થઈ હતી, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. જમ્મુ-કશ્મીરમાં અત્યારે મૌસમનો મિજાજ બદલાયો છે, મોટા ભાગના વિસ્તારમાં ખુશનુમા વાતાવરણ છવાયુ છે. રાજ્યના બાંદીપોરા, સોનમર્ગ, પૂંછમાં હાલમાં સિઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઇ છે. બરફવર્ષાને કારણે કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, તો કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ જતાં પર્યટકોમાં ખુશી જોવા મળી રહી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં વધુ હિમવર્ષા થવાની આગાહી કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં સોમવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ થયો. પીર કી ગલીમાં ભારે હિમવર્ષા બાદ મુગલ રૉડને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.