IMD monsoon forecast 2026: ભારતમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લોકો સાથે સંતાકૂકડીની રમત રમી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જૂન મહિનાની કાળઝાળ ગરમી અને હળવા વરસાદ બાદ, જુલાઈના પહેલા અઠવાડિયામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને લોકોને ગરમીથી મોટી રાહત આપી હતી. પરંતુ, જુલાઈનું બીજું અઠવાડિયું શરૂ થતાં જ ચોમાસું ફરી એકવાર અચાનક ધીમું પડી ગયું છે. આ બ્રેકની સૌથી વધુ અસર દિલ્હી-NCR, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહી છે, જ્યાં વરસાદ ગાયબ થતાં જ લોકો હવે અસહ્ય ઉકળાટ અને ભેજવાળી ગરમીથી તોબા પોકારી ઊઠ્યા છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચોમાસું નબળું પડવા પાછળના મુખ્ય કારણો જાહેર કર્યા છે અને સાથે જ ક્યાં ફરીથી મુશળધાર વરસાદ વરસી શકે છે તેની માહિતી પણ આપી છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ચાલુ સીઝનમાં ચોમાસામાં અચાનક વિરામ આવવા પાછળ બે મુખ્ય ભૌગોલિક કારણો જવાબદાર છે. પહેલું કારણ એ છે કે ચોમાસાની જે ટ્રફ લાઇન (ઓછા દબાણવાળો વિસ્તાર) હોય છે, તેની સ્થિતિ બદલાઈ ગઈ છે. આ સિસ્ટમ પોતાની મૂળ જગ્યાએથી હટીને સીધી પહાડી વિસ્તારો તરફ આગળ વધી ગઈ છે. આ મોનસૂન ટ્રફ અચાનક ઉત્તર તરફ ખસી જવાને કારણે દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ એકાએક અટકી ગયો છે.
આ સિવાય બીજું મોટું કારણ એ છે કે હાલમાં સમુદ્રમાં કોઈ નવી મજબૂત સિસ્ટમ એક્ટિવ નથી. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈ સક્રિય લો-પ્રેશર (ઓછા દબાણનું ક્ષેત્ર) અથવા ચક્રવાતી પરિભ્રમણ (સાયક્લોનિક સર્ક્યુલેશન) બન્યું નથી. આ સાનુકૂળ સિસ્ટમના અભાવે ચોમાસાના પવનોને આગળ વધવા માટે જરૂરી બળ નથી મળી રહ્યું. આ બે મુખ્ય પરિબળો ભેગા થવાના કારણે જ ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે અને વાદળો વરસવાનું નામ નથી લઈ રહ્યા.
આ પણ વાંચોઃ અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
જોકે, આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે લોકોને થોડી રાહત આપતા સમાચાર પણ આપ્યા છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, આગામી 2 થી 3 દિવસમાં ચોમાસાની આ ટ્રફ લાઇન ફરીથી દક્ષિણ તરફ સરકી શકે છે. આ બદલાવને કારણે ઉત્તર-પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ અને બિહારના ઘણા વિસ્તારોમાં ફરી એકવાર મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ ઉપરાંત, આગામી 4 થી 5 દિવસ દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, આગામી 6 થી 7 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારત, પશ્ચિમ-મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની ગતિ હજુ પણ થોડી ઓછી જ રહેવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
