IMD Orange Alert: દેશભરમાં ફરી એકવાર ચોમાસુ પોતાના અસલી રૂમમાં આવી રહ્યું છે. હાલમાં જ હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરીને ઠેર ઠેર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશના અત્યારે કેટલાય વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ઓડિશાના ઘણા વિસ્તારો માટે હવામાન વિભાગ (IMD) દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 કલાક દરમિયાન પૂર્વી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જાણકારોના મતે આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક છે.


ખેડૂતોને આ વરસાદથી શું થશે અસર - 
હવામાન વિભાગ દ્વારા મલકાનગીરી, કોરાપુટ અને નબરંગનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં 24 કલાક દરમિયાન એક કે બે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક કલાકો દરમિયાન, ઓડિશાના ગંજમ જિલ્લામાં 142.4 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે મયુરભંજમાં 132 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાતોએ રાજ્યમાં ત્રણ દિવસમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. જાણકારોના મતે વરસાદથી ખેડૂતોને ફાયદો થશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ વરસાદની ટકાવારી ઘટી છે. આગામી ત્રણ દિવસમાં વ્યાપક વરસાદથી ખેડૂતોને ફાયદો થવાની આશા છે.


દેશના કેટલાય વિસ્તારોમાં થશે ભારે વરસાદ - 
આ ઉપરાંત હવામાન વિભાગે પણ 9 સપ્ટેમ્બર સુધી દેશના અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી જાહેર કરતા IMDએ કહ્યું છે કે 6 સપ્ટેમ્બરે વિદર્ભના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને 7-9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, તટીય આંધ્રપ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, પુડુચેરી, યાનમના ભાગોમાં આજે વરસાદની શક્યતા છે. 


ભારે પવન, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી


રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે.. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે.                                          


વરસાદ ખેંચાતા અમરેલી સહિત રાજ્યભરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સીઝનની શરુઆતના સારા વરસાદના કારણે રાજ્યના ખેડૂતોએ હોંશેહોશે મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ પરંતુ ઓગસ્ટ મહિનો આખો અને સપ્ટેમ્બરની શરુઆતમાં પણ વરસાદ ન વરસતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.  અમરેલીના સાવરકુંડલા તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર મીઠા પાણીનો સ્ત્રોત ન હોવાના કારણે ખેડૂતો ચોમાસાની એક સીઝનમાં પાક લઈને આખા વર્ષની કમાણી કરતા હોય છે પરંતુ હવે વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે.  જો હવે આગામી 15 દિવસમાં વરસાદ ન વરસ્યો તો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની શક્યતા છે.