દેશના ઘણાં ભાગો પૂરની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે 29 અને 30 જુલાઈએ દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીના પગલે દિલ્હી પ્રશાંસન પણ સતર્ક થઈ ગયું છે. આ ઉપરાંત દિલ્હીમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને હાલાકી પડે છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બને તેવી સંભાવના છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેનાથી ગુજરાતને સારો વરસાદ મળતો હોય છે.

છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 40 ટકા વરસાદ વરસ્યો છે. આગામી 5 દિવસમાં રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ માં વરસાદની ઘટ નથી, ગુજરાત રિજયનમાં સામાન્ય ઘટ છે જે ઓગસ્ટમાં પુરી થઈ શકે છે.

ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં સારો વરસાદ મળ્યો છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.