નવી દિલ્હી: આ વર્ષે નૈઋત્યનાં ચોમાસાનું દેશમાં સમયસર આગમન થયું હતું અને ધારણા કરતાં 12 દિવસ વહેલું સમગ્ર દેશમાં છવાયું છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. શુક્રવારે ચોમાસાએ રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના વિસ્તારોને પણ આવરી લીધા હતા અને આખા દેશને તેણે આવરી લીધો હતો.

હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું કે, બંગાળના અખાતમાં હવાનાં હળવા દબાણે પશ્ચિમ-ઉત્તર પૂર્વ તરફ ગતિ કરતા મધ્ય ભારત પર ચોમાસું વહેલું સક્રિય બન્યું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા ‘નિસર્ગ’ને કારણે દેશના અન્ય ભાગોમાં ચોમાસું શરૂ થવામાં વિલંબ થશે તેવી ધારણા ખોટી પડી હતી. ચોમાસું સમયસર ગુજરાત, મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ અને મધ્ય એશિયામાં બેસી ગયું હતું. સામાન્ય રીતે 8 જુલાઈ સુધીમાં ચોમાસું આખા દેશમાં સક્રિય બનતું હોય છે.

આગામી બે દિવસમાં બિહારના 16 જિલ્લામાં વીજળી સાથે ભારે વરસાદ પડશે જ્યારે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ બિહારના 38 જિલ્લાઓને ઘમરોળશે. પંજાબ અને હરિયાણામાં પણ આગામી બે દિવસમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. દિલ્હી-એનસીઆર, ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ અને ફરિદાબાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

પૂર્વોત્તર રાજ્યો અને પૂર્વનાં રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 27 જૂને હિમાલયના પહાડી વિસ્તારો, બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, કેરલ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પુડ્ડુચેરીમાં તેમજ 28 અને 29મીએ પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વરસાદ પડી શકે છે.