હવામાન વિભાગ (IMD) દ્વારા એક નવી આગાહી કરવામાં આવી છે કે દેશના ઉત્તરી અને પશ્ચિમી ભાગોમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળશે. આગામી ચાર દિવસ દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.

imd weather forecast 2025: IMD અનુસાર, પશ્ચિમી વિક્ષેપ 25 ફેબ્રુઆરીથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. જેના કારણે 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશ અને 27 અને 28 ફેબ્રુઆરીના રોજ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. આ ઉપરાંત, આગામી 24 કલાક દરમિયાન પૂર્વ ભારતના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે કરા પડવાની પણ સંભાવના છે.

દિલ્હી અને NCRમાં હવામાન પલટાશે અને તાપમાન ઘટશે. 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. IMDએ 23 થી 26 ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં ધુમ્મસની પણ શક્યતા વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીનું લઘુત્તમ તાપમાન 10.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે રવિવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. જો કે, ત્યારબાદ હવામાનમાં પલટો આવશે અને તાપમાન ઘટશે. IMDએ એમ પણ જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય ભારતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દેશના બાકીના ભાગોમાં આગામી 4-5 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી.

ઉત્તર પ્રદેશમાં પણ હવામાન પલટાશે અને વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, 27 ફેબ્રુઆરીથી ઉત્તર પ્રદેશમાં હવામાન બદલાશે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ ખાસ કરીને નોઈડા, મેરઠ, ગાઝિયાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં પણ 23-24 ફેબ્રુઆરી દરમિયાન તાપમાન વધવાની સંભાવના છે, પરંતુ પૂર્વ રાજસ્થાનમાં 28 ફેબ્રુઆરી અને 1લી માર્ચે વરસાદ થઈ શકે છે.

ઉપરાંત, IMDએ 23 ફેબ્રુઆરીના રોજ ઉત્તર-પૂર્વ ભારતમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે કરા પડવાની ચેતવણી પણ આપી છે. 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચો....

નાની ઉંમરમાં હાર્ટ એટેકના વધતા કેસો વચ્ચે જેતપુરમાં એક જ દિવસમાં બે યુવાનોના મોત