Indian Citizenship: કેન્દ્ર સરકારે ગુરુવારે (9 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા લીધી છે. તેમાંથી ગત વર્ષ એટલે કે 2022માં સૌથી વધુ 2 લાખ 25 હજાર 620 લોકોએ પોતાની નાગરિકતા છોડી દીધી. તો બીજી તરફ, 2020 માં 85 હજાર 256 લોકોએ સૌથી ઓછી નાગરિકતા છોડી દીધી હતી.


વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 2015માં 1 લાખ 31 હજાર 489 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી હતી. વર્ષ 2016માં 1 લાખ 41 હજાર 603 અને 2017માં 1 લાખ 33 હજાર 49 લોકોએ ભારતની નાગરિકતાનો ત્યાગ કર્યો હતો.


શું કહી રહ્યા છે આંકડા?


એસ જયશંકરના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં 1 લાખ 34 હજાર 561, 2019માં 1 લાખ 44 હજાર 17, 2020માં 85 હજાર 256 અને 2021માં 1 લાખ 63 હજાર 370 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી હતી.
  
કોંગ્રેસ સરકારમાં કેટલા લોકોએ નાગરિકતા છોડી હતી?


પીટીઆઈ અનુસાર, એસ જયશંકરે ગૃહમાં કહ્યું કે સંદર્ભ તરીકે, તેમણે મનમોહન સિંહ સરકાર દરમિયાનના આંકડા પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે 2011માં 1 લાખ 22 હજાર 819, 2012માં 1 લાખ 20 હજાર 923, 2013માં 1 લાખ 31 હજાર 405 અને 2014માં 1 લાખ 29 હજાર 328 લોકોએ ભારતની નાગરિકતા છોડી હતી. વર્ષ 2011 થી અત્યાર સુધીમાં 16 લાખ 63 હજાર 440 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. જયશંકરે સંસદમાં 135 દેશોની યાદી પણ આપી, જ્યાંના લોકોએ નાગરિકતા લીધી છે. તેમણે એમ પણ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ લોકોએ UAEની નાગરિકતા લીધી છે.


પીએમ મોદીએ રાજ્યમાં સભામાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર


ગુરુવારે (9 ફેબ્રુઆરી) પીએમ મોદીએ રાજ્યસભામાં પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, "કેટલાક લોકોને સરકારી યોજનાઓના નામમાં સંસ્કૃત શબ્દોની સમસ્યા હતી. મેં રિપોર્ટમાં વાંચ્યું કે 600 સરકારી યોજનાઓનું નામ ગાંધી-નેહરુ પરિવારના નામ પર રાખવામાં આવ્યું છે, તેમ છતાં નેહરુજીનું નામ કેમ નથી લેવામાં આવતું. જો કોઈ કાર્યક્રમમાં નેહરુજીનું નામ ન લેવાય તો કેટલાક લોકોને ખોટુ લાગી જાય છે. લોહી ગરમ થઈ જાય છે કે, નેહરુજીનું નામ કેમ ન લીધું.


પીએમ મોદીએ આગળ કહ્યું, "મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે નેહરુજીનું નામ લેવાનં ક્યારેક હું ચૂકી ગયો હોઈશ, અમે તેને ઠીક પણ કરીશું કારણ કે તેઓ દેશના પહેલા વડાપ્રધાન હતા, પરંતુ મને સમજાતું નથી કે તેમની પેઢીમાંથી કોઈ વ્યક્તિ નેહરુ અટક રાખવામાં કેમ ડરે છે? નેહરુ અટક રાખવામાં શા માટે શરમ આવે છે. નેહરુ અટક રાખવામાં શરમ શાની છે? આટલું મહાન વ્યક્તિત્વ...તમને મંજૂર નથી...પરિવારને મંજૂર નથી અને તમે અમારી પાસે હિસાબ માગો છો.