Karnataka First Cabinet Meeting: કર્ણાટકમાં કોંગ્રેસની શાનદાર જીત બાદ બેંગલુરુના કાંતીરવા સ્ટેડિયમમાં શનિવારે (20 મે) ના રોજ સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમા કોંગ્રેસ શાસિત રાજ્યો અને વિપક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.






દરમિયાન, કર્ણાટકમાં સરકારની રચના પછી તરત જ રાજધાની બેંગલુરુમાં કેબિનેટની પ્રથમ બેઠક પછી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે અમે તમામ પાંચ વચનો પૂરા કરવા માટે કેબિનેટની સહમતિ મેળવી લીધી છે. સીએમએ કહ્યું હતું કે સંપૂર્ણ ડ્રાફ્ટ આગામી કેબિનેટમાં આવશે.


એક સપ્તાહમાં કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે


નોંધનીય છે કે કર્ણાટક વિધાનસભાનું સત્ર સોમવાર (22 મે)થી શરૂ થઈ રહ્યું છે. નવા ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવાશે.  વિધાનસભામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે , "કર્ણાટક વિધાનસભામાં અમારા મેનિફેસ્ટોમાં પાંચ ગેરન્ટીનું વચન આપવામાં આવ્યું હતું અને તે પાંચ ગેરન્ટી લાગુ કરવાનો આદેશ પ્રથમ કેબિનેટ બેઠક પછી આપવામાં આવશે. આગામી કેબિનેટ બેઠક એક અઠવાડિયાની અંદર બોલાવવામાં આવશે ત્યારબાદ તમામ પાંચ ગેરન્ટી અમલમાં આવશે."






કોંગ્રેસની પાંચ ગેરન્ટી શું છે?


કોંગ્રેસે કર્ણાટકમાં સત્તા પર આવ્યાના પ્રથમ દિવસે 'પાંચ ગેરન્ટી' લાગુ કરવાનું વચન આપ્યું છે. આ વચનોમાં તમામ પરિવારોને 200 યુનિટ મફત વીજળી (ગૃહ જ્યોતિ), દરેક ઘરની મહિલા વડા (ગૃહ લક્ષ્મી)ને રૂ. 2,000 માસિક સહાય, ગરીબી રેખા નીચે (બીપીએલ) પરિવારના દરેક સભ્યને 10 કિલો મફત ભોજન (અન્ન ભાગ્ય)નો સમાવેશ થાય છે. બેરોજગાર સ્નાતક યુવાનો માટે દર મહિને રૂ. 3,000 અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને બે વર્ષ માટે રૂ. 1,500 (બંને 18-25 વય જૂથમાં) (યુવા નિધિ) અને જાહેર પરિવહન બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી (શક્તિ)નો સમાવેશ થાય છે.






આ પહેલા 19 મેના રોજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે દિલ્હીમાં કહ્યું હતું કે કેબિનેટની પ્રથમ બેઠકમાં અમે અમારી તમામ ગેરંટી યોજનાઓ લાગુ કરવા જઈ રહ્યા છીએ. અમે અમારા વચનો પાળીશું.