ચંદીગઢઃ કોરોના મહામારી વચ્ચે દેશ ધીમે ધીમે અનલોક થઈ રહ્યો છે. જેમાં હરિયાણામાં હવે સ્કૂલો ખોલવાની તૈયારી થઈ રહી છે. લોકડાઉનના કારણે લાંબા સમયથી બંધ સ્કૂલોને તબક્કાવાર ખોલવામાં આવશે.


હરિયાણાના શિક્ષણ મંત્રી કંવરપાલે કહ્યું, જુલાઈથી હરિયાણામાં તબક્કાવાર તમામ સ્કૂલો ખોલવામાં આવશે. આ અંતર્ગત પહેલા ધોરણ 10 અને 12ના ક્લાસ શરૂ થશે. જે બાદ 6-9 થી બાદમાં 1-5 સુધીના ક્લાસ શરૂ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટેંસિંગ માટે સ્કૂલોએ 50 ટકા ક્ષમતા સાથે જ કામ કરવું પડશે. એટલે કે અડધા વિદ્યાર્થીઓ સવારે આવશે અને અડધા બપોર પછી અથવા એકાંતર દિવસે સ્કૂલે આવશે.


તેમણે કહ્યું કે, સ્કૂલ શરૂ કરતા પહેલા ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટેંસિંગનો નિયમ કઇ રીતે લાગુ કરી શકાય તે જોવા માટે ડેમો ક્લાસ પણ ચલાવવામાં આવશે.  તેનાથી અમને આવનારી સમસ્યાનો અંદાજ મળશે. આ અંગે સરકાર ટીચર્સ, વાલીઓ અને નિષ્ણાતોનો અભિપ્રાય પણ લેશે. કોલેજો ઓગસ્ટથી શરૂ થશે અને પ્રથમ વર્ષ સપ્ટેમ્બરથી શરૂ થશે.

આ દરમિયાન બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન હરિયાણાએ જાહેરાત કરી છે કે 10માં ધોરણનું પરિણામ 8 જૂને જાહેર થશે.