તિરૂવનંતપુરમઃ કેરળમાં ગર્ભવતી હાથણીના મોતના કેસમાં પ્રથમ ધરપકડ થઈ છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જેની ધરપકડ કરવામાં આવી છે તે ખેતરમાં કામ કરતો હતો. એક દિવસ પહેલા હાથણીની મોતની તપાસ કરી રહેલ કેરળના વન વિભાગની ટીમે બે લોકોની અટકાયત કરી હતી.


કેરળના મલપ્પુરમમાં ગર્ભવતી હાથણીના મોત પર સમગ્ર દેશ ગુસ્સામાં છે. ગર્ભવતી હાથણી જ્યારે ભોજનની શોધમાં જંગલની પાસે એક ગામમાં પહોંચી તો કેટલાક ટીખળખોરોએ અનાનસ વિસ્ફોટકની સાથે તેને ખવડાવ્યું હતું. વિસ્ફોટને કારણે જબડા તૂટી ગયા. દુઃખાવો એટલો વધી ગયો કે ખાવાનું ન ખાઈ શકી. નબળી પડી ગઈ અને પાણીમાં જ ડૂબીને મરી ગઈ. હાથણી પલક્કડ જિલ્લાના સાઈલેન્ટ વેલી નેશનલ પાર્કમાં રહેતી હતી. સ્થાનીક મનારકાડુ પોલીસ સ્ટેશને બુધવારે આ દુઃખદ ઘટાને લઈને એક એફઆઈઆર નોંધી હતી.

પોસ્ટમોર્ટમાં રિપોર્ટમાં ખુલાસો

ગર્ભવતી હાથણીના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્ફોટને કારણે હાથણીના મોઢામાં ઈજા થઈ. હાથણી ઘણાં દિવસોથી ભુખી હતી અને 10થી 12 દિવસતી ખૂબ જ દુઃખાવો હતો. આ દુઃખાવાના કારણે તે ભોજન પાણી લઈ શકી ન હતી, જેના કારણે તે નબળી પડી ગઈ હતી અને તે પાણીમાં પડી ગઈ હતી અને ડૂબવા લાગી હતી. કૈવિટીમાં ઈજા સેપ્સિસનું કારણ બન્યા. રિપોર્ટ અનુસાર, ડૂબવાને કારણે હાથણીના શરીરની અંદર ઘણું પાણી ભરાઈ ગયું અને ફેફ્સાએ કામ કરવાનું બંધ કરી દીધું.

કેસની તપાસના આદેશ આપ્યા બાદ મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું છે કે, તપાસ ટીમોની નજર ત્રણ શંકાસ્પદો પર છે. વિજયને ઘટનાના દોષિતો વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવાનો દાવો કર્યો છે. જ્યારે સોશિયલ મીડિયા પર લોકો દોષિતોને કડક સજા આપવાની માગ કરી રહ્યા છે.