Uttarkashi:ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ શક્યતા નકારી શકાય તેમ નથી.


પ્રાથમિક માહિતી અનુસાર, કાટમાળ નીચે 30થી વધુ  મજૂરો ફસાયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે આ ચોમાસાની સિઝનમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઈમારતો, રસ્તાઓ અને હાઈવેને નુકસાન થયું હતું.


ઉત્તરાખંડ સરકાર અને વહીવટીતંત્રની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંદર કામદારો માટે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ છે. ટનલની અંદર વધારાની ઓક્સિજન પાઇપ પણ પહોંચાડવામાં આવી છે. ટનલની અંદર તમામ કામદારો સુરક્ષિત છે. ઘટના રવિવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફની ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું, જ્યારે સુરંગમાં કામ કરી રહેલા કામદારો પ્રવેશદ્વારની અંદર 2800 મીટર અંદર હતા.


આ વર્ષે ઓગસ્ટમાં ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન પ્રોજેક્ટની 'એડિટ-2' નામની ટનલની અંદર લગભગ 114 કામદારો ફસાયા હતા જ્યારે તે શિવપુરી વિસ્તારમાં પૂરના પ્રવાહથી પાણીથી ભરાઈ ગઈ હતી. જો કે, પોલીસની ટીમે પાણી બહાર કાઢ્યું હતું અને દોરડાની મદદથી તમામ 114 કામદારોને બચાવ્યા હતા