આઇઝોલઃ મિઝોરમ સરકારે રાજ્યમાં પેટ્રોલ પંપ પર પ્રતિ વાહન ઈંધણની મહત્તમ સીમા નિર્ધારીત કરી છે. કોવિડ-19ના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધથી રાજ્યમાં તેલના ભંડારમાં કમી આવતા આ પગલું ભરવામાં આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે, તેલ ભંડારમાં કમી આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણકે તેલ ટેંકર રસ્તામાં ફસાઇ ગયા છે અથવા આઇઝોલ બાયપાસ રોડ પર હમાંગખાવથલીરક અને સેથવન વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરતાં ખૂબ ધીમી ગતિએ આવી રહ્યા છે.

અધિકારીઓના આદેશ મુજબ સ્કૂટર માટે ત્રણ લીટર, અન્ય ટૂ વ્હીલર માટે પાંચ લીટર, હળવા મોટર વાહન માટે 10 લીટર, પિકઅપ ટ્રક, મિની ટ્રક, જિપ્સી માટે 20 લીટર અને નગર બસો તથા મધ્યમ ટ્રકો માટે 100 લીટર ઈંધણ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

ચોખાની બોરીઓ તથા અન્ય જરૂરી વસ્તુઓનું પરિવહન કરતાં વાહનોને પૂરતી માત્રમાં પેટ્રોલ-ડીઝલ આપવામાં આવશે. જોકે કન્ટેનર કે ડબ્બામાં ઈંધણ કોઈપણ સંજોગોમાં નહીં આપવામાં આવે. રાજ્યમાં અનેક પેટ્રોલ પંપ પર મંગળવારે સવારથી જ ઈંધણ નહોતું.