Independence Day 2022: 15 ઓગસ્ટ 1947ના રોજ, ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતુ. વર્ષોના સ્વાતંત્ર્ય સંગ્રામ, અનેક ચળવળો અને દેશભક્તિમાં તરબોળ યુવાનોની શહાદત પછી ભારતમાં ત્રિરંગો લહેરાયો હતો.  આજનું આઝાદ ભારત મેળવવા માટે ગુલામ ભારતે ઘણું સહન કર્યું. જેની યાદો આજે પણ આપણા દેશમાં ઘણી જગ્યાએ જીવંત છે. આ સ્થળો ભારતની આઝાદીની ગુલામીની સાક્ષી છે. દરેક ભારતીયે એકવાર આ સ્થળોની મુલાકાત લેવી જ જોઈએ. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર, જો તમે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસ આ સ્થળો પર જાવ.


દિલ્હીનું રાષ્ટ્રીય શહીદ સ્મારક


તમે 15 ઓગસ્ટના દિવસે દિલ્હી જઈ શકો છો. અહીં તમે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવતા અને પરેડ જોઈ શકો છો. આ સાથે ઈન્ડિયા ગેટ પાસે નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લઈ શકાય છે. અહીં વર્ષ 1947, 1962, 1971 અને 1999ના યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી શકો છે.


જલિયાવાલા બાગ, અમૃતસર


તે ભારત માટે કાળો દિવસ હતો, જ્યારે અંગ્રેજોએ નિઃશસ્ત્ર ભારતીયો પર ગોળીબાર કર્યો અને 1919 માં અમૃતસરના જલિયાવાલા બાગમાં દર્દનાક હત્યાકાંડ કર્યો. આ દિવસે સ્વાતંત્ર્ય સેનાનીઓએ રોલેટ એક્ટ વિરુદ્ધ સભાનું આયોજન કર્યું હતું. નજીકમાં એક મેળો ભરાયો હતો, જેમાં સામાન્ય લોકોએ ભાગ લીધો હતો. જનરલ ડાયરે લોકોને ચારે બાજુથી ઘેરી લીધા અને ચેતવણી આપ્યા વિના ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં સેંકડો લોકો શહીદ થયા હતા. આ શહીદોના નામ પર એક સ્મારક બનાવવામાં આવ્યું છે. દિવાલો પર હજુ પણ બુલેટના નિશાન જોઈ શકાય છે.


વાઘા-અટારી બોર્ડર


અમૃતસરમાં ભારત અને પાકિસ્તાનને અલગ કરતી સરહદ છે. આ ભારત પાકિસ્તાન સરહદને વાઘા બોર્ડર તરીકે ઓળખાય છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે અહીં પરેડનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે હજારો લોકો વાઘા બોર્ડર પર પહોંચે છે.


સેલ્યુલર જેલ, આંદામાન અને નિકોબાર ટાપુઓ


સેલ્યુલર જેલ, જેને કાળા પાણી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર બનેલ છે. આ જેલ હવે મ્યુઝિયમ અને સ્મારકમાં ફેરવાઈ ગઈ છે. સેલ્યુલર જેલમાં બંધાયેલ મ્યુઝિયમ અને સ્મારક આઝાદી પહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓની યાતનાની સાક્ષી આપે છે.