DELHI : આવતીકાલે 15 ઓગષ્ટના રોજ સ્વતંત્રતા દિવસ (76th Independence Day) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને લાલ કિલ્લાપરથી સતત નવમી વખત રાષ્ટ્રને સંબોધિત કરશે.


આ વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવણી ખાસ છે કારણ કે તે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ પર થઈ રહી છે અને સરકાર આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે ઘણા કાર્યક્રમો શરૂ કરી રહી છે.


સરકારે આઝાદીની 75મી વર્ષગાંઠ પર 'હર ઘર તિરંગા' સહિત અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે.


મોદી અવારનવાર આ પ્રસંગે તેમની સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાના મહત્વના પરિણામોની વાત કરે છે તો ક્યારેક મહત્વની જાહેરાતો પણ કરે છે. ગયા વર્ષે તેમના ભાષણમાં, તેમણે રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન, ગતિ શક્તિ માસ્ટર પ્લાન અને 75 અઠવાડિયામાં 75 વંદે ભારત ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી હતી.


અગાઉ 2020માં વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે છ લાખથી વધુ ગામડાઓને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી જોડવાનું કામ 1000 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે દરેક નાગરિકને ડિજિટલ હેલ્થ ઓળખ કાર્ડ આપવાની સરકારની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો.


2019 માં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં, તેમણે મુખ્ય સંરક્ષણ વડાના પદ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.


PMના સંબોધન પર દેશવાસીઓની નજર
વર્ષ 2018માં રક્ષા મંત્રાલયે સેના માટે 150 અટાગ ગન ખરીદવાની મંજૂરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લામાં અસલી બંદૂકમાંથી ફાયરિંગ ઔપચારિક હશે. આ માટે તોપ અને શૉલના અવાજને 'કસ્ટમાઇઝ' કરવામાં આવ્યા છે. ધ્વજવંદન અને રાષ્ટ્રગીત પછી એટલે કે 7.33 વાગ્યે PM દેશને સંબોધિત કરશે. છેલ્લા આઠ વર્ષથી પીએમનું ભાષણ લગભગ 90 મિનિટનું છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે આ વર્ષે પણ આવું જ રહેશે. કારણ કે આ વર્ષે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામની નજર પીએમના સંબોધન પર રહેશે.


પીએમ મોદીનો કાર્યક્રમ
લાલ કિલ્લા પહેલા પીએમ નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. લાલ કિલ્લા પર પહોંચવા પર પીએમને ત્રણેય સેનાના જવાનો દ્વારા  ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. PM બરાબર 7.30 વાગ્યે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે. આ પછી તરત જ રાષ્ટ્રગીત વગાડવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે. આઝાદીના 75 વર્ષ પછી પહેલીવાર એવું બનશે કે 21 તોપોની સલામીમાં સ્વદેશી તોપનો સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધી બીજા વિશ્વયુદ્ધની બ્રિટિશ પાઉન્ડર ગનથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી.