Independence Day 2023: આગામી 15મી ઓગસ્ટે દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે ઠેર ઠેર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભારતની આઝાદીને 76 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આવામાં સર્વત્ર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવસે લોકો પોતાના ઘર અને ઓફિસમાં પણ તિરંગો ફરકાવે છે. જો તમે પણ તમારા ઘર કે ઓફિસ પર તિરંગો ફરકાવવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે ભારતમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું એ ગુનાની કેટેગરીમાં આવે છે. જો કોઈ વ્યક્તિ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે તો તેની સામે કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ છે.


ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે પણ તિરંગો ફરકાવવા માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે. રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાના સંદર્ભમાં આ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્રિરંગો ફરકાવવાના નિયમો 'ભારતનો ધ્વજ સંહિતા 2002' (ભારતીય ધ્વજ સંહિતા) નામના કાયદામાં નિર્ધારિત છે. જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો તમને ત્રણ વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.


ક્યારે ગણાય છે તિરંગાનું અપમાન ?
ભારતીય ધ્વજ સંહિતા અનુસાર, રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તે નમેલો ના હોવો જોઈએ અને ના તો તે જમીનને સ્પર્શતો હોવો જોઈએ. આ ઉપરાંત એ પણ જોવું જોઈએ કે તેનો કોઈ ભાગ પાણીમાં ડૂબી ના જાય. જો આવું થાય તો તેને તિરંગાનું અપમાન માનવામાં આવે છે. આ ઉપરાંત ધ્વજ ફરકાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ધ્વજ ફાટવો કે ગંદો ના થવો જોઈએ. જો ઘરમાં કે કોઈ સંસ્થામાં તિરંગો લહેરાવવામાં આવી રહ્યો હોય તો તેના બરાબર કે તેનાથી ઊંચો અન્ય કોઈ ધ્વજ લહેરાવવો જોઈએ નહીં.


આ ઉપરાંત તિરંગો લહેરાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કેસરી રંગ ટોચ પર અને લીલો રંગ નીચે હોવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં નીચે કેસરી રંગ અને ઉપર લીલો રંગ ના હોવો જોઈએ.