Independence Day 2021 Celebration: 75માં સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી સંબોધન કરશે. આ દરમિયાન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા સહિત 32 ખેલાડીઓ હાજર રહેશે. ઉપરાંત, પ્રેક્ષકો-ગેલેરીમાં કોવિડ-વોરિયર્સ માટે એક અલગ એનક્લોઝર બનાવાયું છે.  પ્રથમ વખત, વાયુસેના  હેલિકોપ્ટર આ દરમિયાન   ફૂલોનો વરસાદ કરશે.


રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કારણ કે દેશ સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, એટલે આ  વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ખાસ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.18 કલાકે લાલ કિલ્લાના લાહોરી ગેટ પહોંચશે. આ પહેલા તેઓ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સંરક્ષણ સચિવ અજય કુમાર અને સેનાની ત્રણેય પાંખના વડાઓ આગેવાની કરશે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન- કોરોના, કૃષિ, નવા સંસદ ભવન, જમ્મુ-કાશ્મીર સહિત આ મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ


સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ દિવસ આપણા બધા માટે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસનો દિવસ છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસનું ખાસ મહત્વ છે કારણ કે આ વર્ષે આપણે બધા આઝાદીની 75મી વર્ષગાંઠ તરીકે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. 


તેમણે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાલ મહામારીની તીવ્રતામાં ઘટાડો થયો છે પરંતુ કોરોના વાયરસનો પ્રભાવ સમાપ્ત નથી થયો. આપણા ડૉક્ટરો, નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ, પ્રશાસકો અને અન્ય કોરોના યોદ્ધાઓના પ્રયાસના કારણે કોરોનાની બીજી લહેર પર કાબૂ મેળવાઈ રહ્યો છે. તેમણે કહ્યું આપણા વૈજ્ઞાનિકોએ ખૂબ જ ઓછા સમયમાં કોરોનાની રસી બનાવી. 


રાષ્ટ્રપતિએ કહ્યું હું તમામ દેશવાસીઓને અપિલ કરુ છુ કે તેઓ પ્રોટોકોલ અનુરુપ જલ્દી વેક્સિન લે અને બીજા લોકોને પણ પ્રેરિત કરે. હાલના સમયમાં વેક્સિન આપણા બધા માટે સર્વોત્તમ સુરક્ષા કવચ છે. 


કૃષિ ક્ષેત્ર પર શું બોલ્યા ?


આ સાથે જ તેમણે કહ્યું કે મને એ વાતની ખુશી છે કે તમામ  અવરોધો હોવા છતાં, ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને કૃષિમાં વિકાસ ચાલુ રહ્યો છે. કૃષિ માર્કેટિંગમાં કરવામાં આવેલા ઘણા સુધારાઓ સાથે, આપણા અન્નદાતા ખેડૂતો વધુ સશક્ત બનશે અને તેમને તેમના ઉત્પાદનો માટે વધુ સારી કિંમત મળશે.


 


જમ્મુ કાશ્મીરના યુવાઓને શું કહ્યું ? 


 


રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કહ્યું, “હું જમ્મુ -કાશ્મીરના રહેવાસીઓ, ખાસ કરીને યુવાનોને આ તકનો લાભ લેવા અને લોકશાહી સંસ્થાઓ દ્વારા તેમની આકાંક્ષાઓને સાકાર કરવા માટે સક્રિય થવા વિનંતી કરું છું. હવે જમ્મુ -કાશ્મીરમાં એક નવું જાગરણ દેખાય છે. સરકારે લોકશાહી અને કાયદાના શાસનમાં વિશ્વાસ ધરાવતા તમામ હિસ્સેદારો સાથે પરામર્શની પ્રક્રિયા શરૂ કરી છે.


 


રાષ્ટ્રપતિએ કહ્યું, “સ્વતંત્રતા સેનાનિઓના સંઘર્ષથી આપણી આઝાદીનું સપનુ સાકાર થયું છે. તે બધાના ત્યાગ અને બલિદાનના અલગ ઉદાહરણ પ્રસ્તુત કર્યા છે. હું એ તમામ અમર સેનાનીઓની પાવન સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક નમન કરુ છું.”


 


ઓલિમ્પિક રમતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, હાલમાં જ આપણા ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરી દેશનો ગૌરવ વધાર્યું છે.  હું દરેક માતાપિતાને વિનંતી કરું છું કે તેઓ આશાસ્પદ પુત્રીઓના પરિવારો પાસેથી શિક્ષણ લે અને તેમની પુત્રીઓને વિકાસની તકો પૂરી પાડે.