Agni missiles Range : ભારતની સૌથી લાંબી રેન્જની ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5ને એક મહત્વની બાબત સામે આવી છે. ભારતની અગ્નિ-5 મિસાઈલની રેન્જ વધારવામાં આવી છે. અગાઉ તેની રેન્જ 5000 કિમી હતી. તે હવે 7000 કિલોમીટરથી વધુનું અંતર કાપી શકે છે. ઇન્ડિયન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ મિસાઈલમાં સ્ટીલની જગ્યાએ કંપોઝિટ મટેરિયલ લગાવ્યું છે. જેના કારણે મિસાઈલના વજનમાં 20 ટકાથી વધુ ઘટાડો થયો હતો.


સંરક્ષણ વિભાગના અધિકારીઓએ એક જાણીતી સમાચાર ચેનલને જણાવ્યું હતું કે, સરકાર ઈચ્છતી હતી કે, પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ અગ્નિ-5 મિસાઈલની રેન્જને 7000 કિલોમીટરથી વધુ સુધી વધારમાં આવે. માટે ડીઆરડીઓએ આ મિસાઈલ પર ફરીથી કામ શરૂ કર્યું હતું. હવે આ મિસાઈલ એ રેન્જ હાંસલ કરી શકે છે જેની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે, અગ્નિ સિરિઝની બાકીની મિસાઇલોની રેંજ પણ તેની વર્તમાન રેંજ કરતા વધારવામાં આવી શકે છે. 


જેમ કે અગ્નિ-3 મિસાઇલનું વજન 40 ટન છે પરંતુ તે 3000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. તેવી જ રીતે અગ્નિ-4 મિસાઇલ માત્ર 20 ટન વજન ધરાવે છે પરંતુ તે ઘણી વધુ રેન્જને કવર કરી શકે છે. દેશના સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડને મિસાઈલોની વધેલી રેન્જનો લાભ મળે છે. કારણ કે, તેમની પાસે શક્તિમાં વધુ શ્રેણી અને વિભિનતા હોય છે. ભારતનો પરમાણુ હથિયાર કાર્યક્રમ માત્ર ડિટરન્સનો છે. એટલે કે પહેલો હુમલો આપણે નહીં કરીએ પરંતુ જો હુમલો થશે તો વળતો હુમલો આક્રમક રીતે કરી શકાશે.


સેકન્ડ સ્ટ્રાઈક ક્ષમતા પણ ટૂંક સમયમાં વિકસાવવામાં આવશે. કેન્દ્ર સરકારનો હેતુ તાજેતરમાં અગ્નિ-5ની વિસ્તૃત રેન્જનું પરીક્ષણ કરાવવાનો હતો. માટે અગ્નિ-5નું પરીક્ષણ 5400 કિમીની રેન્જ સુધી કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ફક્ત નવા ફેરફારોને ચકાસવા માટે કરવામાં આવ્યું હતું. કારણ કે આ મિસાઈલ અગાઉની મિસાઈલ કરતા હળવી હતી.


અગ્નિ-5 એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. આ દેશની એકમાત્ર એવી મિસાઈલ છે જેની રેન્જમાં રશિયાના ઉપરના ભાગોથી લઈને આફ્રિકાનો અડધો ભાગ, ઓસ્ટ્રેલિયાનો ઉત્તરીય ભાગ, ગ્રીનલેન્ડ સુધી બધું આવરી લેવામાં આવશે. તે ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું હતું. અગ્નિ-5 મિસાઈલનું વજન 50 હજાર કિલો હતું. તેના વજનમાં 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તે 17.5 મીટર લાંબી છે. તેનો વ્યાસ 2 મીટર એટલે કે 6.7 ફૂટ છે. તે 1500 કિલો વજનના પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ છે.


આ મિસાઈલમાં ત્રણ સ્ટેજ રોકેટ બૂસ્ટર છે જે ઘન ઈંધણથી ઉડે છે. તેની ઝડપ અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે. એટલે કે તે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપે છે. તે 29,401 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરે છે. તે રીંગ લેસર ગાયરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, નેવીઆઈસી સેટેલાઇટ ગાઇડન્સ સિસ્ટમથી સજ્જ છે. અગ્નિ-5 મિસાઈલ ચોકસાઈથી લક્ષ્ય પર પ્રહાર કરે છે. જો લક્ષ્ય 10 થી 80 મીટર સુધી પણ તેની જગ્યાએથી ખસી જાય તો તેનું બચવું મુશ્કેલ છે.


આ મિસાઈલની સૌથી ખાસ વાત તેની MIRV ટેકનોલોજી (મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ) છે. આ ટેકનિકમાં મિસાઈલ પર લગાવેલા વોરહેડ્સની સંખ્યા વધારી શકાય છે. એટલે કે એક મિસાઈલ એક સાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. તેને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં તૈનાત કરવામાં આવી છે. ભારતની તમામ મિસાઇલો આ કમાન્ડ હેઠળ જ સંચાલિત થાય છે. જેમાં પૃથ્વી, અગ્નિ અને સૂર્ય જેવી મિસાઈલોનો સમાવેશ થાય છે. સૂર્ય મિસાઈલ હજુ બની નથી. તેની રેન્જ 12 થી 16 હજાર કિલોમીટરની હશે. તે પહેલા અગ્નિ-6 બનાવવામાં આવશે જે 8 થી 12 હજાર કિલોમીટરની રેન્જની હશે. આ કમાન્ડમાં સમુદ્રમાં સૈન્ય મિસાઈલનો પણ સમાવેશ થાય છે. જેમ કે- ધનુષ, સાગરિકા વગેરે.