નવી દિલ્હીઃ કોરોના વાયરસ અને દવાની સપ્લાયને લઇને અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો તણાવમાં આવી ગયા હોવાના રિપોર્ટ છે. ટ્રમ્પે પોતાના એક નિવેદનમાં ભારતને દવા આપવાને લઇને ધમકી આપી હતી, આ દવા મેલેરિયા માટેની છે, જેને હાઇડ્રૉઓક્સી ક્લૉરોક્વીન કહેવામાં આવે છે.

હાઇડ્રૉઓક્સી ક્લૉરોક્વીનના સપ્લાયને લઇને હવે ભારતે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે, ભારતે અમેરિકાને મેલેરિયાની દાવા આપવાની તૈયારી દર્શાવી છે, પણ સાથે એક શરત પણ રાખી છે.

વિદેશ મંત્રાલયે આ મામલે જણાવ્યુ કે, ભારત એવો દેશોને હાઇડ્રૉઓક્સી ક્લૉરોક્વીન દવા આપવાનુ નક્કી કર્યુ છે, જ્યાં કોરોના મહામારી વધારે ફેલાયેલી છે.



ભારતે કહ્યું કે, અમે અમેરિકાને દવા આપીશુ પણ અમારી જરૂરિયાત પુરી થયા બાદ, વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે, હાઇડ્રૉઓક્સી ક્લૉરોક્વીન અને પેરાસીટામૉલની નિકાસ સંબંધી પ્રતિબંધમાં કેટલાક ફેરફારો સંભવ છે, જોકે આ ફેરફારો આ દવાઓના ભારતમાં હાલના સ્ટૉક અને ઘરેલુ જરૂરિયાતોના આંકલનના આધાર પર નિર્ભર કરે છે. આમાં કોરોના સંબંધિત માનવીય આધાર અને પ્રાથમિકતાઓ આંકતા અમે નિર્ણય કરીશું.



ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં ધમકી આપતા કહ્યું હતુ કે જો ભારત અમેરિકામાં મેલેરિયાની દવા નહીં નિકાસ કરે તો અમે બદલાની કાર્યવાહી કરીશુ.

નોંધનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસથી હાલ 10 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે, અમેરિકામાં 3 લાખ 52 હજાર લોકો કોરોના સંક્રમિત છે. આ બધાની વચ્ચે ન્યૂયોર્કમાં 29 એપ્રિલ સુધી શટડાઉન વધારી દેવાયુ છે.