નવી દિલ્લીઃ ભારતમાં 12 વર્ષથી વધારે વયનાં બાળકો માટેના રસીના ટ્રાયલ શરૂ થઈ ગયા છે અને ટૂંક સમયમાં 12 વર્ષથી વધારે વયનાં બાળકો માટેના રસી બજારમાં આવી જશે એવી જાહેરાત થઈ ચૂકી છે. હવે 5 વર્ષથી વધારે વયનાં બાળકો માટેની કોરોના રસીના ટ્રાયલને પણ મંજૂરી મળી છે. આ ટ્રાયલ ઝઢપથી પૂરા કારશે અને ટૂંક સમયમાં જ દેશમાં 5 વર્ષ કરતાં વધારે ઉંમરના બાળકો માટેની કોરોના વેક્સિન મળવા લાગશે.


કોર્બેવેક્સને 5 વર્ષથી વધારે વયનાં બાળકો માટેની કોરોના રસીના બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલ માટેની મંજૂરી મળી ગઈ છે. જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ (ડીબીટી)એ જાહેરાત કરી છે કે, બાયોલોજિકલ ઈ કંપનીને 5 વર્ષ કરતાં વધારે ઉંમરના બાળકો માટેની કોવિડ-19 વેક્સિન કોર્બેવેક્સના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે ડીજીસીઆઈની મંજૂરી મળી છે. 


વિશેષ એક્સપર્ટ સમિતિએ કોર્બેવેક્સ વેક્સિનની ટ્રાયલ માટે ભલામણ કરી હતી. કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેમાં બાળકો પર પણ અસર પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.  આ મહિને જ ત્રીજી લહેર આવે તેવી આશંકા છે તેવામાં આ વેક્સિન બાળકો માટે કવચ તરીકેનું કામ આપશે. બાયોલોજિકલ ઈ લિમિટેડની વહીવટી સંચાલક મહિમા દતલાએ જણાવ્યું કે, આ મંજૂરી બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે વાતચીત કરવામાં મદદ મળશે. 


હૈદરાબાદ સ્થિત દવા કંપની બાયોલોજિકલ ઈની વેક્સિન કાર્બોવેક્સ ભારતમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ જાય તેવી શક્યતા છે. તેના પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલના પરિણામો સારા આવ્યા છે. કેન્દ્ર સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ કંપની સાથે 30 કરોડ વેક્સિન ડોઝનો કરાર કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે વેક્સિનના ઉત્પાદન માટે કંપનીને 1,500 કરોડ રૂપિયાની આગોતરી રાશિ આપી દેવાઈ છે. કંપની વેક્સિનનું ઉત્પાદન અને સ્ટોરેજ સપ્ટેમ્બર-ડિસેમ્બર 2021 દરમિયાન કરશે.