India beer can shortage: જો તમે પણ મિત્રો સાથે બીયરની મજા લેવાના શોખીન છો અથવા ઉનાળામાં સોફ્ટ ડ્રિંક્સ પીવાનું પસંદ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
હાલમાં ભારતના બજારમાં બીયર અને સોફ્ટ ડ્રિંક્સ બનાવતી કંપનીઓ એક મોટી અને ગંભીર પેકેજિંગ કટોકટીનો સામનો કરી રહી છે. આ કટોકટી પીણાંની નહીં, પરંતુ જેમાં આ પીણાં પેક થાય છે તેવા એલ્યુમિનિયમ કેનની છે.
આ સમસ્યાને કારણે બજારમાં કેટલાક લોકપ્રિય ઉત્પાદનોના પુરવઠા પર સીધી અસર પડી શકે છે. હવે સામાન્ય ગ્રાહકોના મનમાં એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે અચાનક આ એલ્યુમિનિયમ કેનની અછત કેમ ઊભી થઈ અને શું ખરેખર બજારમાંથી બીયર ગાયબ થઈ જશે?
કેમ સર્જાઈ એલ્યુમિનિયમ કેનની આટલી મોટી અછત?
છેલ્લા 2 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતમાં બીયર અને સોફ્ટ ડ્રિંક્સ માટે પેકેજિંગ તરીકે એલ્યુમિનિયમ કેનનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. ગ્રાહકો હવે કાચની બોટલ કરતાં કેન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
આ ટ્રેન્ડને કારણે છેલ્લા 2 વર્ષમાં કેનવાળા પીણાંનો વેચાણ હિસ્સો બમણો થઈ ગયો છે. હાલમાં બીયર અને સોફ્ટ ડ્રિંક્સના કુલ વાર્ષિક વેચાણમાં કેનનો હિસ્સો 25 ટકા એટલે કે એક ક્વાર્ટરથી પણ વધુ નોંધાયો છે.
પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે બજારમાં જે ઝડપે કેનની માંગ વધી છે, તે ઝડપે તેનું ઉત્પાદન વધી શક્યું નથી. સ્થાનિક ઉત્પાદનોની આ મર્યાદિત ક્ષમતાને કારણે બજારમાં કેનનો જંગી શોર્ટફોલ ઊભો થયો છે.
પશ્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર અસર
માંગ સામે ઉત્પાદન તો ઓછું છે જ, પણ પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે કરી છે. આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે અને પુરવઠામાં મોટો વિક્ષેપ પડ્યો છે.
બ્રુઅર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ વિનોદ ગિરીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, કંપનીઓને દેશમાં વધારાના 600 મિલિયન એલ્યુમિનિયમ કેનની તાત્કાલિક જરૂર છે, પરંતુ હાલમાં આ આંકડાનો માત્ર 50 ટકા હિસ્સો જ મળી રહ્યો છે.
ભારતની મુખ્ય કેન ઉત્પાદક કંપનીઓ હાલમાં તેમની 100 ટકા ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરી રહી છે. ઉત્પાદન વધારવા માટે નવી મશીનરી અને નવી પ્રોડક્શન લાઇન સ્થાપિત કરવી પડે, જેમાં ઓછામાં ઓછો 1 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. તેથી તાત્કાલિક આ અછતને દૂર કરવી શક્ય નથી.
મોંઘા ભાવે આયાત કરવા મજબૂર બની કંપનીઓ
સ્થાનિક બજારમાં પૂરતા કેન ન મળવાને કારણે પીણાં કંપનીઓ હવે અન્ય દેશોમાંથી તેની આયાત કરવા માટે મજબૂર બની છે. આ અછતને પહોંચી વળવા કંપનીઓ સંયુક્ત આરબ અમીરાત (UAE), શ્રીલંકા અને કેટલાક દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો પર આધાર રાખી રહી છે.
વિદેશમાંથી આવતા આ આયાતી કેન સ્થાનિક ઉત્પાદિત કેન કરતાં બજારમાં 25 થી 30 ટકા જેટલા વધુ મોંઘા પડે છે. આ સીધા વધારાના ખર્ચને કારણે કંપનીઓનું પેકેજિંગ બજેટ ખોરવાયું છે અને તેમનો ખર્ચ સતત વધી રહ્યો છે.
જોકે, આ બધી જ પરિસ્થિતિઓનો અર્થ એવો બિલકુલ નથી કે દેશના બજારમાંથી બીયર સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. સમસ્યા મુખ્યત્વે બીયર કે સોફ્ટ ડ્રિંક્સની અછતની નથી, પરંતુ તેમને સુરક્ષિત રીતે પેક કરવા માટે વપરાતા એલ્યુમિનિયમ કેનની છે.
હા, એ વાત ચોક્કસ છે કે આ પેકેજિંગ કટોકટીના કારણે બજારમાં કેટલીક પસંદગીની બ્રાન્ડ્સના પુરવઠાને થોડા સમય માટે અસર થઈ શકે છે અને ગ્રાહકોને તેમની મનપસંદ બ્રાન્ડ શોધવામાં થોડી મુશ્કેલી પડી શકે છે.
