India-China Border Clash Live: તવાંગ મુદ્દે સંસદમાં હોબાળો, રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે કરી બેઠક
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી નજીક 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે આપણો કોઇ સૈનિક શહીદ થયો નથી. ચીને સરહદમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતના સૈનિકોએ તેમને પીછેહટ કરવા મજબૂર કર્યા હતા. બંન્ને દેશો વચ્ચે ફ્લેગ મિટિંગ થઇ છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં કહ્યું કે સ્થિતિની ગંભીરતા અને વિપક્ષ દ્વારા કરવામાં આવેલી વિનંતીને ધ્યાનમાં રાખીને હું સ્પીકરને વિનંતી કરું છું કે રક્ષા મંત્રીને બપોરે 2 વાગ્યાને બદલે 12.30 વાગ્યે નિવેદન કરવાની મંજૂરી આપવામાં આવે.
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે સરકારે આ અંગે નિવેદન આપવું જોઈએ. આવું થતું રહ્યું છે. ચીને આપણી જમીન પર કબજો જમાવ્યો છે. તેઓ લદ્દાખ અને ઉત્તરાખંડથી અરુણાચલ સુધી પહોંચ્યા છે. ચીનના ષડયંત્રનો સામનો કરવા માટે સરકારની તૈયારી જાણવાનો અમને અધિકાર છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ પર બોલતા કહ્યું હતું કે ચીને આપણી સરહદમાં ઘૂસણખોરી કરી છે. જેના પર ઉપાધ્યક્ષે કહ્યું કે જ્યાં સુધી રક્ષા મંત્રી આ મામલે જવાબ આપે ત્યાં સુધી રાહ જુઓ.
બ્રેકગ્રાઉન્ડ
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી નજીક 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આમાં બંને દેશોના કેટલાક સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. ભારતીય સેનાએ સોમવારે (12 ડિસેમ્બર) આ મામલાની માહિતી આપી છે. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "9 ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં એલએસી પર ચીન આર્મીના સૈનિકો સાથે અથડામણ થઈ હતી. અમારા સૈનિકોએ નિશ્ચિતપણે ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. આ અથડામણમાં બંને બાજુએ કેટલીક જાનહાનિ થઈ હતી. જવાનોને સામાન્ય ઈજાઓ થઈ છે.
રાજનાથ સિંહે CDS લેફ્ટનન્ટ જનરલ સાથે બેઠક કરી
હવે આ મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિદેશ પ્રધાન એસ જયશંકર, CDS લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય દળોના વડા, NSA અજીત ડોભાલ સહિત તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રીએ ઘટનાની વિસ્તૃત માહિતી લીધી હતી. બીજી તરફ સંસદમાં આજે રક્ષા મંત્રી આ ઘટના પર નિવેદન આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -