Coronavirus: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસ વધ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ અને 71 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 3383 લોકો સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.56 ટકા છે.
- કુલ એક્ટિવ કેસઃ 27,802
- કુલ રિકવરીઃ 4,24,61,926
- કુલ મૃત્યુઆંકઃ 5,16,352
- કુલ રસીકરણઃ 181,04,96,924
કેન્દ્રની રાજ્યોની 5 મુદ્દાની વ્યૂહરચના લાગુ કરવા સૂચના
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, સચિવ (સ્વાસ્થ્ય)ને પત્ર લખીને કોરોનાને નિયંત્રિત કરવા માટે પાંચ મુદ્દાની વ્યૂહરચના લાગુ કરવા સૂચના આપી છે, જેમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેંટ-રસીકરણ અને COVID યોગ્ય વ્યવહારોનું પાલનનો સમાવેશ થાય છે.
આરોગ્ય સચિવે આગળ લખ્યું કે તમામ રાજ્યોએ કોરોના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે લોકો માસ્ક પહેરવા, સામાજિક અંતર અને સ્વચ્છતા જેવી કોરોનાને લઈને જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરે. તમારા બધાના સાથ અને સહકારથી કોરોનાને નિયંત્રિત કરી શકાય છે.
કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ મહામારી સામેની લડાઈ હજુ પણ ચાલી રહી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા એક ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાના દેશોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. WHOએ પણ ભારતને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જો કે હાલમાં દેશમાં કોરોનાની ગતિ એકદમ સુસ્ત છે, પરંતુ તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી. જો ઢીલાશ દાખવવામાં આવશે તો દેશમાં ફરી કોરોનાના કેસ વધી શકે છે.