India Coronavirus Update: દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 33,376 નવા કેસ નોંધાયા છે અને 308 લોકોના મોત થયા છે. જ્યારે 32,198 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97%થી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 25,010 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 177 લોકોના કોરોનાથી મોત થયા છે અને 22,303 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,37,643 છે. જ્યારે કુલ 40,21,456 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,303 છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 32 લાખ 8 હજાર 330
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 23 લાખ 74 હજાર 497
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 91 હજાર 516
- કુલ મોતઃ 4 લાખ 42 હજાર 317
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 72,05,89,688 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 65,27,175 લોકોને રસી અપાઈ હતી.
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં દોઢ લાખથી વધુ કેસ
અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે માથું ઊંચકતા કેટલાક દિવસથી દૈનિક સરેરાશ દોઢ લાખથી વધુ કેસ આવી રહ્યા છે અને અંદાજે 1500 લોકો મોતને ભેટી રહ્યા છે. એવામાં અમેરિકા ફરી પાછું કોરોનાની ભયાનક સ્થિતિમાં પહોંચી ગયું છે. વધુમાં અમેરિકામાં સ્કૂલો ખુલતાં જ છેલ્લા સાત દિવસમાં અઢી લાખથી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.અમેરિકામાં કેટલીક જગ્યાઓ પર કોરોનાથી થતાં મોતના આંકડા આખી મહામારી દરમિયાન હાલમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. કોરોનાના કેસ ઘટતાં એક સમયે શરૂ થયેલી સ્કૂલો ફરી બંધ થવા લાગી છે. માસ્ક અને રસીની જરૂરિયાતો અંગે કાયદાકીય લડાઈ અને હિંસા શરૂ થઈ ગઈ છે.એક સમયે કોરોનાના કેસ ઘટતાં નિયંત્રણોમાં ભારે છૂટછાટ આપનારા બાઈડેન પ્રશાસને નવા નિયંત્રણોની જાહેરાત કરવી પડી છે, જેમાં રસીકરણ અને માસ્કને ફરજિયાત બનાવવાનો સમાવેશ થાય છે.અમેરિકામાં કોરોનાના નવા 1.60 લાખથી વધુ કેસ આવ્યા હતા અને વધુ 2 હજાર જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ 4.15 કરોડને પાર થઈ ગયા છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 91.41 લાખને પાર થઈ ગઈ છે.
કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા
આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 54,01,96,989 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,92,135 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.