Coronavirus: દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. પ્રથમ, બીજી અને ત્રીજી લહેરમાં દેશમાં કરોડો લોકો સંક્રમિત થયા છે. સરકારી આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 5 લાખ 21 હજાર 721 છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ આંકડા ખોટા હોવાનું કહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું 5 લાખ નહીં 40 લાખ ભારતીયોના મોત થયા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, મોદીજી સાચું બોલતા નથી અને બોલવા પણ નથી દેતા. તેઓ હજુ પણ ખોટું બોલે છે કે ઓક્સિજનની અછતથી કોઈનું મોત થયું નથી. તેમણે આગળ લખ્યું, મેં પહેલા પણ કહ્યું હતું કે કોવિડમાં સરકારની બેદરકારીથી 5 લાખ નહીં 40 લાખ ભારતીયોના મોત થયા છે. મોદીએ તેમની ફરજ નિભાવીને દરેક પીડિત પરિવરાને 4 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ.
ભારતે કોરોના મૃત્યુદરનો અંદાજ લગાવવા WHO ની પદ્ધતિ પર ઉઠાવ્યા સવાલ
ભારતે દેશમાં કોવિડ-19 મૃત્યુ દરનો અંદાજ લગાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની પદ્ધતિ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ભારતે કહ્યું કે આવા ગાણિતિક મોડલનો ઉપયોગ આટલા મોટા ભૌગોલિક કદ અને વસ્તી ધરાવતા દેશ માટે મૃત્યુઆંકનો અંદાજ કાઢવા માટે કરી શકાતો નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 16 એપ્રિલના રોજ પ્રકાશિત 'ગ્લોબલ કોવિડ ડેથ ટોલ સાર્વજનિક બનાવવા માટે ભારત WHOના પ્રયાસને અવરોધે છે' શીર્ષકવાળા ન્યૂયોર્ક ટાઇમ્સના લેખના જવાબમાં આ જણાવ્યું હતું. મંત્રાલયે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપનાવવામાં આવી રહેલી પદ્ધતિને લઈને દેશે ઘણી વખત પોતાની ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે નિવેદનમાં કહ્યું, "ભારતનો મૂળ વાંધો પરિણામ પર નથી પરંતુ અનુસરવામાં આવેલી પદ્ધતિ પર છે." ઉપરાંત અનેક દેશોએ આ પદ્ધતિ પર તેમની ચિંતા વ્યક્ત કરી છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1150 નવા કેસ અને 4 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 975 નવા કેસ અને માત્ર 4 સંક્રમિતોના મોત થયા હતા.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 11,558 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,751 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,08,788 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 186,51,53,593 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 12,56,533 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું