સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 50,129 નવા કોરોનાના કેસ નોંધાયા હતા અને વધુ 578 લોકોના કોરોનાથી મોત થયા હતા. જ્યારે 62,077 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 70 લાખ 78 હજારને પાર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસ પણ ઘટીને 6 લાખ 68 હજાર પર આવી ગયા છે. જો કે દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 78 લાખ 64 હજાર પર પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 18 હજાર 534 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે.
રાહતની વાત એ છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.50 ટકા થઈ ગયો છે. તે સિવાય એક્ટિવ કેસ દર પણ 9 ટકાથી ઓછો છે. તેની સાથે રિકવરી રેટ 90 ટકા છે. ભારતમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે.
એક્ટિવ કેસની સરખામણીએ 10 ગણી વધુ રિકવરી
કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં રિકવર થયેલા લોકોની સંખ્યા 10 ગણી વધારે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુ દર અને રિકવરી રેટની ટકાવારી વધારે છે.
ICMR અનુસાર, 24 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 10 કરોડ 25 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11.40 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું.