Corruption Perception Index 2025: વિશ્વભરમાં ભ્રષ્ટાચાર પર નજર રાખતી પ્રતિષ્ઠિત સંસ્થા 'ગ્લોબલ ટ્રાન્સપરન્સી' (Global Transparency) એ વર્ષ 2025 માટેનો પોતાનો નવો અને બહુપ્રતિક્ષિત અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ભારત માટે રાહતના સમાચાર છે. કુલ 180 દેશોના કરવામાં આવેલા સર્વેક્ષણમાં ભારતની સ્થિતિમાં મામૂલી પણ મહત્વનો સુધારો જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ, પોતાને વિકસિત અને પારદર્શક ગણાવતા અમેરિકા (USA) અને બ્રિટન (UK) જેવા પશ્ચિમી દેશોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે, જે આશ્ચર્યજનક બાબત છે.

તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ, ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારતનો ક્રમ સુધરીને 91 પર પહોંચ્યો છે. ભારતનો વર્તમાન 'કરપ્શન સ્કોર' (Corruption Score) 39 છે. અગાઉના વર્ષે એટલે કે 2023 માં ભારત 93 માં ક્રમે હતું, જે હવે સુધરીને 91 પર આવ્યું છે. જોકે, 39 નો સ્કોર હજુ પણ ચિંતાજનક ગણાય, કારણ કે આ સ્કોર જેટલો ઓછો હોય તેટલો ભ્રષ્ટાચાર વધુ માનવામાં આવે છે. આમ છતાં, ઘણા યુરોપિયન દેશોની સરખામણીએ ભારતે સકારાત્મક પ્રગતિ દર્શાવી છે.

બીજી તરફ, યુરોપ અને અમેરિકામાં પારદર્શિતા ઘટી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની મોટી વાતો કરે છે, પરંતુ હકીકત એ છે કે અમેરિકાનો રેન્ક ગગડ્યો છે. 2024 માં અમેરિકા 28 માં ક્રમે હતું, જે હવે સરકીને 29 માં સ્થાને આવી ગયું છે. યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશોના સ્કોરમાં પણ ઘટાડો નોંધાયો છે. યુરોપમાં માત્ર 'જર્મની' (Germany) એવું રાષ્ટ્ર છે જ્યાં સુધારો જોવા મળ્યો છે.

Continues below advertisement
Continues below advertisement

આપણા પાડોશી દેશ અને મહાસત્તા બનવા જઈ રહેલા ચીનની હાલત પણ ખરાબ છે. તમામ કડક નિયમો છતાં ચીન 76 માં ક્રમે છે અને તેનો સ્કોર 43 છે, જે ત્યાંની વ્યવસ્થામાં રહેલી છટકબારીઓ દર્શાવે છે. રિપોર્ટમાં ટોપ અને બોટમ દેશોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં ફરી એકવાર યુરોપિયન દેશ 'ડેનમાર્ક' (Denmark) વિશ્વનો સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવતો દેશ બન્યો છે. જ્યારે યાદીના તળિયે 'દક્ષિણ સુદાન' (South Sudan) અને 'સોમાલિયા' (Somalia) છે, જ્યાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે.

આ રેન્કિંગ કયા આધારે નક્કી થાય છે તે જાણવું પણ જરૂરી છે. આ સર્વેક્ષણ મુખ્યત્વે 4 પરિબળો પર આધારિત હોય છે: લોકશાહી સંસ્થાઓને મળતું 'રાજકીય ફંડિંગ' (Political Donation), દેશમાં સરકારી સંસ્થાઓની સ્થિતિ, કામ કરાવવા માટે અપાતી રોકડ લાંચ એટલે કે 'કેશ ફોર એક્સેસ' (Cash for Access) અને પત્રકારો તથા મીડિયા પર સરકારનું દબાણ કેવું છે. આ તમામ બાબતોનું વિશ્લેષણ કરીને સ્કોર આપવામાં આવે છે.

સંસ્થાએ ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા સંઘર્ષો અને નેતાઓની સત્તાલક્ષી વૃત્તિને કારણે વર્તમાન 'વૈશ્વિક વ્યવસ્થા' (Global Order) દબાણમાં છે. જેના કારણે જવાબદારીનો અભાવ જોવા મળી રહ્યો છે અને પરિણામે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં હજુ લાંબી મજલ કાપવાની બાકી છે.