India wins ICC Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ ભારતીય ટીમ પર ધનનો વરસાદ થયો છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ જીતનારી ભારતીય ટીમને લગભગ 20 કરોડ રૂપિયાની મોટી ઇનામી રકમ મળશે.


ભારતે તાજેતરમાં જ દુબઈમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે અને દેશને ગૌરવ અપાવ્યું છે.  આ જીત સાથે, ભારતે 12 વર્ષ બાદ ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. મેચમાં રોહિત શર્માએ 76 રન બનાવીને શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે શ્રેયસ અય્યરે 48 રન અને કેએલ રાહુલે અણનમ 34 રનનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ બની ગયો છે.


ચેમ્પિયન્સ ટ્રોફીની ટ્રોફી જીતવા ઉપરાંત, ભારતીય ટીમ મોટી ઇનામી રકમની પણ હકદાર બની છે. ફાઇનલ મેચ જીતનારી ભારતીય ટીમને ICC દ્વારા અંદાજે 20 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે.  ઉપરાંત, રનર-અપ રહેલી ન્યુઝીલેન્ડની ટીમને પણ 1.12 મિલિયન ડોલર એટલે કે લગભગ 9.72 કરોડ રૂપિયા મળશે.


હવે એક સામાન્ય પ્રશ્ન ઉભો થાય છે કે આટલી મોટી ઇનામી રકમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમને કોણ આપશે? ઘણા લોકો વિચારી રહ્યા હશે કે શું આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરનાર પાકિસ્તાન આ રકમ આપશે?


તો જવાબ છે, ના. યજમાન દેશ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇનામી રકમ આપતું નથી.  હકીકતમાં, ICCના નિયમો અનુસાર, ટૂર્નામેન્ટનું આયોજન કરનાર દેશ ફક્ત મેચોના આયોજનનો ખર્ચ ઉઠાવે છે. યજમાન દેશ ખેલાડીઓની સુરક્ષા, પરિવહન અને તેમના રહેવાની વ્યવસ્થા જેવી બાબતોનું ધ્યાન રાખે છે, પરંતુ ઇનામી રકમ આપવાની જવાબદારી તેમની નથી હોતી.


ચેમ્પિયન્સ ટ્રોફી અને અન્ય ICC ટૂર્નામેન્ટો માટે ઇનામી રકમ ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા જાહેર કરવામાં આવે છે અને તે જ વિજેતા ટીમોને આ રકમ આપે છે.  ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે, ICC એ કુલ 6.9 મિલિયન ડોલર એટલે કે લગભગ 59 કરોડ રૂપિયાની ઇનામી રકમ નક્કી કરી હતી, જે 2017માં અપાયેલી રકમ કરતાં 53% વધારે છે. આ કુલ રકમમાંથી, વિજેતા ટીમને લગભગ 20 કરોડ અને રનર-અપ ટીમને 9.72 કરોડ રૂપિયા મળશે. સેમિફાઇનલમાં હારનારી ટીમોને પણ લગભગ 4.85 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળશે.


આમ, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવા બદલ ભારતીય ટીમને મળનારી 20 કરોડ રૂપિયાની ઇનામી રકમ ICC દ્વારા આપવામાં આવશે, પાકિસ્તાન દ્વારા નહીં.


આ પણ વાંચો....


રવિન્દ્ર જાડેજા ODIમાંથી નિવૃત્ત થશે? ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિરાટ કોહલીની આ હરકતથી મળ્યા સંકેત