India Develops Herd Immunity : ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યાં BF.7 નામનો કોરોના વેરિઅન્ટ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ દરમિયાન ભારત માટે રાહતના સમાચાર છે. અહીં એક્સપર્ટે કોરોનાને લઈને મોટો દાવો કર્યો છે. નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે BF.7 વેરિઅન્ટ ચીનમાં જે હદે અસર પહોંચાડી રહ્યો છે તેટલી અસર ભારતમાં નહીં થાય. આમ થવા પાછળના કારણો પણ તેમણે જણાવ્યા હતાં. 


CSIR- સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (CCMB)ના ડાયરેક્ટર વિનય કે નંદીકુરીના જણાવ્યા અનુસાર મોટાભાગના ભારતીયો હવે હાઇબ્રિડ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. એટલે કે તેમણે રસીકરણ દ્વારા રોગપ્રતિકારક શક્તિ મેળવી લીધી છે. આ સ્થિતિમાં કોરોનાનો નવો વેરિએન્ટ BF.7 ભારતમાં એટલી અસર કરી શકશે નહીં જેટલી તે ચીનમાં લોકોને અસર કરી રહી છે.


ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ બદથી બદતર બની રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 20 દિવસમાં ત્યાં દર્દીઓની સંખ્યા વધીને 25 કરોડ થઈ ગઈ છે. સરકારી દસ્તાવેજો લીક થયા બાદ આ આંકડાઓ સામે આવ્યા છે. કોરોનાનો આ પ્રકાર અમેરિકા, યુકે, બેલ્જિયમ જર્મની, ફ્રાન્સ, ડેનમાર્ક સહિત યુરોપના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે. આ સ્થિતિમાં ભારત સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને આ વેરિઅન્ટનો સામનો કરવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરી દેવામાં આવી છે. આ સાથે જ આ વેરિઅન્ટને લઈને નિષ્ણાતોના મંતવ્યો પણ સામે આવી રહ્યા છે.


ભારતમાં ચિંતા કરવાની જરૂર નહીં


સીસીએમબીના ડિરેક્ટર વિનય કે નંદીકુરીએ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હંમેશા એક ચિંતા એ રહે છે કે, આ તમામ વેરિએંટમાં રોગપ્રતિકારક શક્તિથી બચવાની ક્ષમતા રહેલી છે અને તેઓ એવા લોકોને પણ ચેપ લગાવી શકે છે જેમણે રસી લગાવી લીધી છે. ત્યાં સુધી કે ક્યારેક ક્યારેક ઓમિક્રોનના અગાઉના વેરિએંટથી પણ સંક્રમિત થઈ શકે છે. જો કે, ભારતમાં સંક્રમણને લઈને એટલી મુશ્કેલીની બાબત નથી જેટલી કે ડેલ્ટા વેરિયેંટ દરમિયાન થઈ હતી. આમ એટલા માટે કારણ કે, આપણી પાસે હર્ડ ઇમ્યુનિટી વિકસીત થઈ ગઈ છે. આ જ કારણે અન્ય વાયરસના સંપર્કમાં આવવા છતાં હર્ડ ઈમ્યુનિટીના કારણે આપણે સુરક્ષિત છીએ.


ચીને રસીકરણ પર ધ્યાન જ ન આપ્યું


તેમણે કહ્યું હતું કે, અમે (ભારત) ડેલ્ટા વેવ જોઈ છે જે સૌથી વધુ અસરગ્રસ્ત કરનારી હતી. પરંતુ ત્યાર બાદ અમે રસીકરણ હાથ ધર્યું અને ત્યાર બાદ ઓમિક્રોન વેવ આવી. ત્યારબાદ અમે બૂસ્ટર ડોઝ આપવાનું પણ સાથો સાથ ચાલુ રાખ્યું. આપણે ઘણી રીતે અલગ છીએ. ચીનમાં જે થઈ રહ્યું છે તે ભારતમાં ના થઈ શકે. ચીનમાં 'ઝીરો કોવિડ પોલિસી' અપનાવવામાં આવી હતી. બાદમાં તેને મુક્તિ આપવામાં આવી. જેના કારણે ત્યાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું. આ ઉપરાંત ચીનમાં રસીકરણનું પણ ધ્યાન પણ ના રાખવામાં આવ્યું, જેના કારણે સ્થિતિ વધુ કથળી છે અને હવે સરકાર સામે મોટું સંકટ ઊભું થયું છે.


બૂસ્ટર ડોઝને ભારતમાં સુરક્ષિત બનાવ્યું


તેમણે કહ્યું હતું કે, એ વાત સાચી છે કે ચીનમાં ઝીરો કોવિડ પોલિસીનું પાલન કરવામાં આવે છે અને એ પણ હકીકત છે કે ચીનમાં ઘણા લોકોએ રસી લીધી જ નથી. જ્યારે ભારતમાં વૃદ્ધોથી લઈને યુવાનો અને બાળકોને પણ રસીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા હતા. અહીંના લોકોને બુસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો છે. વડીલોને લઈને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. પરંતુ ચીને બહુ ધ્યાન જ ના આપ્યું.


ભારતમાં કોરોના માટે પૂરતી તૈયારી


નંદીકુરીએ વધુમાં કહ્યું હતું કે, ભારતમાં લહેર આવી શકે છે કે નહીં તે અંગે દાવો કરી શકાય નહીં. અત્યાર સુધી તો એવું લાગતું નથી કે તરત જ કોઈ લહેર આવે છે. તાજેતરમાં ભારતમાં કોવિડ ટેસ્ટ તેમજ ઉપચાર અને રસીકરણ બંને માટે પૂરતી ક્ષમતા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના BF.7 વેરિઅન્ટના 4 કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે, દેશમાં કોરોનાના 201 નવા કેસ મળી આવ્યા છે. અહીં સક્રિય કેસોની સંખ્યા વધીને 3,397 થઈ ગઈ છે.