India Joins IPEF Launch: ભારત સોમવારે અમેરિકાની પહેલ હેઠળ શરુ થયેલા હિન્દ-પ્રશાંત આર્થિક માળખામાં (Indo-Pacific Economic Framework) જોડાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું કે, ભારત આ આર્થિક માળખાને લચીલું બનાવવા માટે કામ કરશે જેથી ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ આવી શકે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આજે સોમવારે 12 હિંદ-પ્રશાંત દેશો સાથે એક નવા વ્યાપારિક કરારની શરુઆત કરી છે જેનો હેતુ આ દેશોની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો છે.


ચીનની વ્યાપારી રણનીતિ સામે અમેરિકાનો મુકાબલોઃ
ઉલ્લેખનીય છે કે, આ IPEF કરાર હેઠળ અમેરિકા અને એશિયાઈ દેશો સપ્લાય ચેન, ડિજિટલ વેપાર, સ્વચ્છ ઉર્જા અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસ સહિતના વિવિધ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે. અમેરિકા દ્વારા શરુ કરવામાં આવેલી આ પહેલથી હિન્દ-પ્રશાંતની સમૃદ્ધિ માટે આર્થિક રુપરેખાને આ વિસ્તારમાં ચીનની આક્રમક વ્યાપારી રણનીતિ સામે ટક્કર આપવા માટે અમેરિકાના પ્રયત્નોના ભાગ તરીકે જોવામાં આવી રહી છે. IPEFમાં જોડાનાર દેશમાં ઓસ્ટ્રેલિયા, બ્રેુનેઈ, ભારત, ઈંડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ન્યૂજીલેન્ડ, ફિલિપીન, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. 






આ પ્રસંગે જો બાઈડને કહ્યું કે, અમેરિકા આ નવી પહેલ સાથે ઉંડાણપૂર્વક જોડાયેલ છે અને આ ક્ષેત્રના સકારાત્મક ભવિષ્યના સંબંધમાં પોતાના પ્રયાસોને લઈને પ્રતિબદ્ધ છે. સમૃદ્ધિ માટે IPEFની શરુઆતના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે આ મહત્વપૂર્ણ સમારોહમાં તમારા બધા સાથે જોડાઈને મને ખુશી થઈ રહી છે. તેમણે કહ્યું કે, હિંદ-પ્રશાંત આર્થિક માળખાને (IPEF) વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું એન્જિન બનાવવા માટે આપણી સામૂહિક ઈચ્છાશક્તિને દર્શાવે છે.


પીએમ મોદીએ શું કહ્યું?
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે, આ માળખું વિશ્વાસ, પારદર્શિતા અને સમયસુચકતાના સ્તંભો હેઠળ ચીજ-વસ્તુઓની આપુર્તિ માટે કામ કરશે અને આ ત્રણેય સ્તંભો વધુ મજબુત થશે. આ સાથે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ વિસ્તૃત કરશે. આ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતના લોથલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વિશ્વનું પ્રાચિન વાણિજ્યિક બંદર ભારતમાં મારા ગૃહરાજ્ય ગુજરાતમાં લોથલ ખાતે હતું. તેથી એ જરુરી છે કે, હિંદ-પ્રશાંત વિસ્તારના આર્થિક પડકારોનું સામુહિક સમાધાન શોધવું જોઈએ અને રચનાત્મક વ્યવસ્થા બનાવવી જોઈએ.