NXT10 Summit: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભારત એક આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર દેશ છે, જેણે પોતાની જાતને નિષ્ક્રિય સરકારમાંથી ગતિશીલ સરકારમાં, પ્રતિગામીથી પ્રગતિશીલ વિકાસમાં અને નાજુક પાંચમાંથી ટોચની પાંચ અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરી છે. કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર દરમિયાન મોંઘવારી બે આંકડામાં પહોંચી ગઈ હતી. અમારી સરકારે તેને પાંચ ટકાથી નીચે રોકી રાખી છે.


 






શાહે બુધવારે ઈન્ડિયા ગ્લોબલ ફોરમની વાર્ષિક ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં થયેલી પ્રગતિની સરખામણી અગાઉની યુપીએ સરકારના શાસન સાથે થવી જોઈએ. યુપીએના 10 વર્ષ દેશની વિકાસગાથામાંથી લગભગ ગાયબ હતા. પીએમ મોદીએ આવા સંજોગોમાં (2014માં) દેશની બાગડોર સંભાળી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં અમે સરકારના 10 વર્ષનું કામ અને આગામી 25 વર્ષની રૂપરેખા લઈને જશું.


ગૃહમંત્રીએ કહ્યું કે, 2014 પહેલા ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ નાજુક હતી. ફુગાવો ઊંચો હતો અને રાજકોષીય ખાધ પણ નિયંત્રણ બહાર હતી. 2004 થી 2014 સુધીનો સરેરાશ ફુગાવાનો દર 8.2 ટકા હતો અને 2010-11 અને 2013-14 વચ્ચે બે આંકડામાં હતો. 2013-14માં દેશની જીડીપી વૃદ્ધિ 6.9 ટકા હતી, જ્યારે આજે તે 8.4 ટકા છે.


10 વર્ષમાં મેટ્રોવાળા શહેરો 5 થી વધીને 20, એરપોર્ટ 74 થી વધીને 150 થયા
છેલ્લા 10 વર્ષમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, પીએમ મોદીએ આ વર્ષોમાં ઘણા બદલાવ લાવ્યા છે. પહેલા પાંચ મેટ્રો સિટી હતા, હવે 20 છે. એરપોર્ટની સંખ્યા આજે 74 થી વધીને 150 થઈ ગઈ છે. 2013-14માં દેશમાં 91,000 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા જે 2023 સુધીમાં 1,45,000 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બની જશે. અગાઉની સરકારના છેલ્લા બજેટમાં મૂડી ખર્ચ રૂ. 2,00,000 કરોડ હતો, જે મોદી સરકાર દ્વારા ગયા મહિને રજૂ કરાયેલા બજેટમાં વધીને રૂ. 11,00,000 કરોડ થયો છે.


શાહે કહ્યું કે આ આંકડા દર્શાવે છે કે દેશ કેટલો આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, યુપીએ સરકાર દરમિયાન 12 લાખ કરોડ રૂપિયાના વિવિધ કૌભાંડોથી દેશનો વિશ્વાસ ડગમગી ગયો હતો. આજે ભારત નીતિ આધારિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં દેશ રૂ. 4 લાખ કરોડ યુએસ ડૉલરનું અર્થતંત્ર બની જશે. પીએમ મોદીને સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન તરીકે ગણાવતા ગૃહમંત્રીએ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં અગ્રેસર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.